ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ટોચના ધનાઢ્યોમાં સ્થાન ધરાવતા મુકેશ અંબાણીએ સળંગ બીજા વર્ષે પણ કંપનીમાંથી એક પણ રૂપિયાનો પગાર લીધી નથી. કોરોના મહામારીના કારણે બિઝનેસ અને અર્થતંત્રને ભારે નુકસાન થયું છે ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સળંગ બીજા વર્ષે પગાર, ભથ્થા કે કમિશન લેવાનું ટાળ્યું છે. રિલાયન્સે તાજેતરમાં તેના રિઝલ્ટ જાહેર કર્યા તેમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે તેમણે ‘શૂન્ય’ પગાર લીધો હતો.
જૂન ૨૦૨૦માં મુકેશ અંબાણીએ સ્વૈચ્છિક રીતે ર્નિણય લીધો હતો કે તેઓ ૨૦૨૦-૨૧નો પગાર જતો કરશે. ત્યાર પછી ૨૦૨૧-૨૨માં પણ તેમનો પગાર શૂન્ય હતો. આ દરમિયાન તેમણે કોઇ ભથ્થું, નિવૃત્તિના લાભો, કમિશન અથવા સ્ટોક ઓપ્શન નથી લીધા. તે અગાઉ ૨૦૦૮-૦૯માં તેમણે પોતાનો પગાર ૧૫ કરોડ રૂપિયા સુધી મર્યાદિત કર્યો હતો. તેમણે ૨૦૧૯-૨૦ સુધી ૧૫ કરોડ રૂપિયાનો વાર્ષિક પગાર લીધો હતો. એટલે કે છેલ્લા ૧૧ વર્ષથી તેમના પગારમાં કોઈ વધારો થયો ન હતો. ૨૦૦૮માં તેમણે પોતાનો પગાર ઘટાડીને ૧૫ કરોડ કર્યો તે અગાઉ તેમને રૂ. ૨૪ કરોડનો પગાર મળતો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં મુકેશ અંબાણીના કઝિન નિખિલ અને હિતલ મેસવાનીનો પગાર ૨૪ કરોડ છે. પરંતુ આ વખતે તેમાં ૧૭.૨૮ કરોડ રૂપિયાનું કમિશન પણ સામેલ છે. કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પીએમએસ પ્રસાદ અને પવન કુનાર કપિલના વેતનમાં પણ સાધારણ ઘટાડો થયો છે. પીએમએસ પ્રસાદનો પગાર ૧૧.૯૯ કરોડથી ઘટીને ૧૧.૮૯ કરોડ થયો છે. પવન કુમાર કપિલનો પગાર ૪.૨૪ કરોડથી ઘટીને ૪.૨૨ કરોડ થયો છે. બંનેના પગારમાં પરફોર્મન્સ આધારિત પેમેન્ટનો સમાવેશ થાય છે. મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીને પાંચ લાખની સિટિંગ ફી મળી હતી, જ્યારે વર્ષ દરમિયાન તેમને બે કરોડ રૂપિયા કમિશન મળ્યું હતું.
અગાઉના વર્ષમાં તેમને ૮ લાખ રૂપિયાની સિટિંગ ફી મળી હતી જ્યારે ૧.૬૫ કરોડ કમિશન પેટે મળ્યા હતા. નીતા અંબાણી ઉપરાંત રિલાયન્સ ગ્રૂપમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે દીપક જૈન, રઘુનાથ માશેલકર, આદિલ ઝૈનુલભાઈ, રમિંદર સિંહ ગુજરાલ, જીમ્ૈંના ભૂતપૂર્વ ચેરમેન અરુંધતિ ભટ્ટાચાર્ય અને ભૂતપૂર્વ ચીફ વિજિલન્સ કમિશ્નર (સીવીસી) કે. વી. ચૌધરી સામેલ છે. કંપનીના તમામ ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સને બે કરોડ રૂપિયા કમિશન પેટે મળ્યા છે.