વધતા કોરોના કેસોને જોતા રાજ્ય સરકારે મોટા નિર્ણયો લીધા છે. આજે સીએમની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક યોજાઈ હતી અને જે બાદ હવે નવી ગાઈડલાઇન જાહેર કરવામા આવી છે. હવે નવી ગાઈડલાઇન મુજબ 8 મહાનગર સહિત 19 શહેરોમાં હવે નાઈટ કર્ફ્યૂ જાહેર કરાયો છે.
આ સિવાય નીચે મુજબના નિયમો સાથે કામકાજમા છૂટછાટ આપવામા આવી છે.:
- 24 કલાક હોટેલ્સ, રેસ્ટોરન્ટસ હોમ ડીલીવરી સેવા આપી શકશે
-આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલી રહેશે.
- વધતા કોરોના કેસોને જોતા ૧૭ નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં ૨૨ જાન્યુઆરીથી રાત્રે ૧૦થી સવારે ૬ સુધી રાત્રિ કરફયુ રહેશે.
- રાત્રિ કરફયુના આ નિયમો રર તારીખથી ૨૯ જાન્યુઆરી સુધીની અમલી રહેશે.
- સાપ્તાહિક ગુજરીબજાર, હાટ, હેરકટિંગ શૉપ, સ્પા-સલૂન, બ્યૂટી પાર્લર દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કૉમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે અને સંચાલક તથા કર્મચારીઓ રસીના બે ડોઝ લીધેલા હોવા જોઈએ.
- 75% ક્ષમતા સાથે રાત્રે 10 વાગ્યા સુધી હોટલ-રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે.
- રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક જાહેર કાર્યક્રમો માટે ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની મર્યાદામાં અને બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં રહેશે.
- જિમ, સિનેમા, વોટરપાર્ક, લાઇબ્રેરી જેવી જાહેર જગ્યાઓએ બેઠક ક્ષમતાના 50 % લોકોને જ મંજૂરી આપી શકાશે.
- લગ્ન પ્રસંગો માટે નિયંત્રણ મુજબ 150 લોકો જ હાજરી આપી શકશે.
- અંતિમક્રિયા અને દફનવિધિને લગતા પ્રસંગોમાં મહત્તમ માત્ર 100 લોકો હાજર રહી શકશે.
- નૉન-એસી બસમાં ક્ષમતાના 75% અને એસી બસમાં પણ મહત્તમ 75% ક્ષમતા પ્રવાસીઓ સાથે ચલાવી શકાશે.
- જાહેર બાગ-બગીચા જેવા સ્થળો રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અનિવાર્ય રહેશે.
- સ્કૂલ-કોલેજ અને પરીક્ષાઓ માટે ધોરણ 1થી 9 માટે 31 જાન્યુઆરી સુધી માત્ર ઑનલાઇન વર્ગો અને સ્કૂલ, કોલેજની પરીક્ષાઓ કે ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇન્સ મુજબ યોજી શકાશે.
- રમતગમતની ઇવેન્ટ પ્રેક્ષકોની ઉપસ્થિતિ વિના યોજી શકાશે.