મતલબ હદ છે…મોરબી ઝૂલતા પુલના મોતના તાંડવમાં ઓરેવા કંપની કે માલિકનું FIRમાં ક્યાંય નામ સુદ્ધા નથી, મોતના સોદાગરોને સરકાર કેમ બચાવી રહી છે!

Lok Patrika
Lok Patrika
8 Min Read
Share this Article

મોરબી જુલતા પુલના કટકા થયા એમાં 140થી વધારે લોકોનો જીવ ગયો છે. પરંતુ હવે એક એવી માહિતી બહાર આવી છે કે લોકોને વાત ગળે નથી ઉતરતી. કારણ કે બ્રિજ બન્યા બાદ તેનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા ઓરેવાના માલિક જયસુખભાઈ પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતાં. પરંતુ આ દુર્ઘટના બાદ પોલીસે ગુનો નોંધ્યો છે. જેમાં જયસુખભાઈ કે તેમની કંપનીનું નામ શુદ્ધાં લખવામાં આવ્યું નથી. ઝૂલતા પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે હતી અને ગ્રુપના MDએ પુલને ખુલ્લો મુક્યો હતો. ઓરેવા ગ્રુપના જયસુખ ઓધવજી પટેલ સામે માનવવધનો ગુનો દાખલ કરવાની માગ થઇ રહી છે. કારણ કે, નગરપાલિકા કે વહિવટી તંત્ર પાસેથી કોઇ પણ NoC સર્ટિફીકેટ લીધા વગર જ ઓરેવા કંપનીએ આ પુલને ખુલ્લો મુકી દીધો હતો. ત્યારે હવે લોકોને લાગી રહ્યું છે કે સરકાર આ લોકોને બચાવી રહી છે. તો વળી લોકમુખે એવી પણ ચર્ચા થઈ રહી છે કે ચૂંટણીમાં મત બેંક અને ફંડને લઈને સરકાર આવા લોકોને બચાવી રહી છે.

અહીં વાંચો FIR કોપીનો એક એક અક્ષર….

ઈ.પી.કો કલમ 304,308 અને 114 મુજબ તે એવી રીતે કે, મોરબી ખાતે મચ્છુ નદી પર આવેલો ઝુલતો પુલ કે જે યોગ્ય સમારકામ અને મેન્ટેનેન્સ તથા મેનેજમેન્ટના અભાવે યાંત્રીક ખામી કે અન્ય કોઈ કારણોસર આજરોજ સાંજના 8.30ના અરસામાં તુટી ગયેલ હોવાથી આશરે 50થી વધુ લોકોના મૃત્યુ નીપજેલ છે તથા આશરે 150થી વધુ વ્યક્તિઓને નાની મોટી ગંભીર તથા સામાન્ય ઈજાઓ થયેલ હોય આ બ્રિજનું સમારકામ તથા મેન્ટેનેન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ/ એજન્સીઓએ આ બ્રિજનું યોગ્ય રીતે સમારકામ/ મેન્ટેનેન્સ તથા ક્વોલિટી ચેક કર્યા, યોગ્ય કાળજી રાખ્યા વિના તથા યોગ્ય મેનેજમેન્ટ નહીં કરી તેમના આવા ગંભીર બેદરકારી તથા નિષ્કાળજી ભરેલા કૃત્યના કારણે આ ઝુલતા પુલ પર પ્રવાસન અર્થે આવતા આમ નાગરીકોનું મૃત્યુ નીપજવાનો તથા શારીરિક હાની પહોંચવાની સંભાવના તથા જાણકારી હોવા છતાં સામાન્ય માણસની જિંદગી જોખમાય તેવું જાણતા હોવા છતાં આ બ્રિજ તા. 26/10/2022ના રોજ ખુલ્લો મુકેલ, જેના કારણે ઉપરોક્ત દુઃખદ ઘટના બનવા પામેલ હોય જે ઘટનામાં આશરે 50થી વધુ લોકોના મોત નીપજેલ હોય તથા અન્ય આશરે 150થી વધુ લોકોને નાની મોટી ગંભીર તથા સામાન્ય ઈજાઓ થયેલ હોય જેથી આ મચ્છુ નદી પર આવેલ પુલનુ સમારકામ, મેન્ટેનેન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યક્તિઓ/ એજન્સીઓએ ગુન્હો કર્યા બાબત..

તા.30/10/2022 મારૂ નામ પ્રકાશભાઈ અંબારામભાઈ દેકાવાડિયા, પોલીસ ઈન્સપેક્ટર, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન. જિ, મોરબી.

અમો મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઈન્સપેક્ટર તરીકે છેલ્લા છ માસથી ફરજ બજાવીએ છીએ અને અમારી ફરજમાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની છે.

આજ રોજ મોરબી મચ્છુ નદી ઉપર આવેલ ઝુલતો પુલ પર્યટન સ્થળ આવેલ હોય જે ઝુલતો પુલ કે જે સને-1887માં મોરબી સ્ટેટ દ્વારા બનાવવામાં આવેલ હતો. જે બ્રિજની લંબાઈ આશરે 765 ફૂટ, પહોળાઈ 4.6 ફૂટ તથા ઉંચાઈ 60 ફૂટની છે. જે વખતો વખત સરકારશ્રીના અલગ અલગ વહીવટી તંત્ર દ્વારા ખાનગી એજન્સીઓ મારફતે સમારકામ મેન્ટેનેન્સ અને મેનેજમેન્ટ કરી સ્થાનિક લોકોની સુખાકારી અને આનંદપ્રમોદ તથા પ્રવાસન માટે ખુલ્લો રાખવામાં આવતો હતો. જે બ્રિજ આજથી આશરે આઠેક માસથી મેન્ટેનેન્સ માટે બંધ રાખેલ હોય જે પુલનું સમારકામ તેમજ મેન્ટેનેન્સ ખાનગી એજન્સી દ્વારા પુરુ થઈ જતાં ગત તા. 26/10/2022ના રોજ આ પુલ પર્યટન સ્થળ તરીકે આમ જનતાના આનંદપ્રમોદ અર્થે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જે જગ્યાએ હાલમાં દિવાળીના તહેવારના દિવસો ચાલતા હોય જેથી ઘણા બઘા લોકો પર્યટન અર્થે આવતા જતા હતાં.

આજરોજ અમો બપોરના કલાક 14.00થી મોરબી મહારાણા પ્રતાપ સર્કલ ખાતેથી સવે એજ સંપતી ફાઉન્ડેશન દ્વારા સરદાર પટેલ જન્મ જયંતી નીમિત્તે એકતા યાત્રા રેલી અનુસંધાને સ્ટાફના માણસો સાથે બંદોબસ્તમાં હતાં તે દરમિયાન આશરે 18.30 વાગ્યાના અરસા દરમિયાન અમોને જાણવા મળેલ કે, આ મચ્છુ નદી ઉપર આવેલ ઝુલતો પુલ કોઈ યાંત્રિક ખામી સર્જાતાં કે અન્ય કારણોસર વચ્ચેના ભાગેથી તુટી ગયો નીચે નદીના ભાગે પડી ગયેલ અને આ વખતે આ બ્રિજ ઉપર આશરે 250થી 300 માણસો પર્યટન અર્થે હરવા ફરવા આવેલ હતાં. જેઓ આ બ્રિજ ઉપર હતાં અને આ બ્રિજ તુટી જવાથી મોટાભાગના લોકો મચ્છુ નદીના પાણીમાં પડી ગયેલ જેમાં નાના મોટા સ્ત્રી, પુરૂષો, બાળકો તથા વૃદ્ધો વગેરે હતાં. જેથી અમો તાત્કાલિક તાબાના માણસો સાથે ઘટના સ્થળે પહોંચી ગયેલ અને મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ મારફતે જિલ્લાની તમામ પોલીસ ફોર્સને તાત્કાલિક ઘટના સ્થળે બચાવ રાહતની કામગીરી માટે બોલાવેલ હતી. તેમજ આ વખતે મોરબી નગરપાલિકા તથા 108 તથા સરકારી હોસ્પિટલ સ્ટાફ તથા ફાયરબ્રિગેડ તથા અન્ય સરકારી તંત્ર તથા સેવાભાવી સંસ્થાના માણસો તથા સ્થાનિક આગેવાનો આ બચાવ કામગીરીમાં જોડાયેલ હતાં. જે બચાવ કામગીરી દરમિયાન આશરે 200થી વધુ લોકોને મચ્છુ નદીના પાણીમાંથી તરવૈયા, હોડકા, જેસીબી તથા રસ્સા વડે બહાર કાઢી 108 તથા સરકારી ખાનગી એમ્બ્યુલન્સોની મદદથી સરકારી તથા ખાનગી હોસ્પિટલો ખાતે સારવાર માટે મોકલી આપેલ દરમિયાન અમોને જાણવા મળેલ કે, આ ઈજાગ્રસ્તો પૈકી આશરે 50થી વધુ લોકોના મોત નીપજેલ છે. તથા અન્ય લોકોને નાની મોટી ગંભીર તથા સામાન્ય ઈજા થયેલ છે.

આમ આ મોરબી ખાતે મચ્છુ નદી પર આવેલ ઝુલતો પુલ કે જે યોગ્ય સમારકામ અને મેન્ટેનેન્સ તથા મેનેજમેન્ટના અભાવે યાંત્રિક ખામી કે અન્ય કોઈ કારણોસર આજરોજ સાંજના 18.30 ના અરસામાં તુટી ગયેલ હોવાથી આશરે 50થી વધુ લોકોના મોત નીપજેલ છે તથા આશરે 150થી વધુ વ્યક્તિઓને નાની મોટી ગંભીર તથા સામાન્ય ઈજાઓ થયેલ હોય આ બ્રિજનું સમારકામ તથા મેન્ટેનેન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ/એજન્સીઓએ આ બ્રિજનું યોગ્ય રીતે સમારકામ તથા ક્વોલિટી ચેક કર્યા, કાળજી રાખ્યા વગર તથા યોગ્ય મેનેજમેન્ટ નહીં કરી તેમના આવા ગંભીર બેદરકારી તથા નિષ્કાળજી ભરેલ કૃત્યના કારણે આ ઝુલતા પુલ પર પ્રવાસન અર્થે આવતા આમ નાગરીકોનું મોત નીપજવાનો તથા શારીરિક હાની પહોંચવાની સંભાવના તથા જાણકારી હોવા છતાં, સામાન્ય માણસની જિંદગી જોખમાય તેવું જાણતા હોવા છતાં આ બ્રિજ તા 26/10/2022ના રોજ ખુલ્લો મુકેલ જેના કારણે ઉપરોક્ત દુઃખદ ઘટના બનવા પામેલ હોય જે ઘટનામાં આશરે 50થી વધુ લોકોના મૃત્યુ નીપજેલ હોય તથા અન્ય આશરે 150થી વધુ લોકોને નાની મોટી ગંભીર તથા સામાન્ય ઈજાઓ થયેલ હોય જેથી આ મચ્છુ નદી પર આવેલ ઝુલતા પુલનું સમારકામ, મેન્ટેનેન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યક્તિઓ/એજન્સીઓ વિરૂદ્ધ તથા તપાસમાં ખુલે તેઓ વિરૂદ્ધ ઈ.પી.કો કલમ- 304,308 114 મુજબ શ્રી સરકાર તરફે મારી ધોરણસર થવા ફરિયાદ છે. એટલી મારી ફરિયાદ હકિકત મારા લખાવ્યા મુજબની બરાબર અને ખરી હોય જે વાંચી સમજી આ નીચે મેં મારી સહી કરી આપેલ છે.

ત્યારે જોવા જેવી વાત એ છે કે હોસ્પિટલોમાં લોકોનું દુઃખદ આક્રંદ જોવા મળતું હતું. ત્યારે રવિવારે રાત્રે પોલીસે જવાબદાર કંપની સામે 304,308 અને 114ની કલમ લગાડીને સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે રાત્રે આઠ વાગ્યા પછી ફરિયાદ નોંધી હતી. જેમાં 50 લોકોના મોત અને 150 લોકો ઈજાગ્રસ્ત હોવાનો ઉલ્લેખ કર્યો છે. બીજી તરફ આ બ્રિજનું મેઈન્ટેનેન્સ કરનાર ઓરેવા કંપની અને તેમના માલિકનું નામ FIRમાં નોંધવામાં આવ્યું નથી. ત્યારે સરકાર જવાબદારોને બચાવી લેવાની ભૂમિકામાં હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.


Share this Article