ભવર મિણા (પાલનપુર )
હાલ દેશમાં કોરોનાના વધતા કેસ અને નવા વેરિયન્ટના કારણે ફરી એક વાત સમગ્ર વિશ્વ મુશ્કેલીમાં મૂકાવા જઈ રહ્યું છે, ત્યારે લોકોમાં જાગૃતતા લાવવા માટે પાલનપુર જૂની આર.ટી.ઓ. કચેરી ખાતે રીક્ષા ચાલકો અને ટેક્ષી ચાલકોની કોરોનાની સાવચેતી માટે બેઠક યોજવામાં આવી હતી. પાલનપુર પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવા અને આસીસ્ટન્ટ પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલની ઉપસ્થિતમાં યોજાયેલ આ બેઠકમાં કોરોના વાયરસના વધતાં કેસોને કેવી રીતે અટકાવવા અને શહેરમાં વધુ કેસોના નોંધાય તે માટે શું સાવચેતી લેવી, તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં પાલનપુર પ્રાંત અધિકારી ગિલવાએ જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેરની અસરથી બચવા માટે આપણે બધાએ પોતાનું અને બીજાનું ધ્યાન રાખીને કોવિડ એસ.ઓ.પી.નું પાલન કરવું જરૂરી છે, માસ્ક ફરજીયાત પહેરવું તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા તેમજ લોકોમાં જાગૃતતા લાવવા માટે વાહન ચાલકોએ પોતાની ઓટો કે ટેક્ષીમાં માસ્ક પહેરલ મર્યાદિત પેસેન્જરને જ બેસાડવાની આ બેઠકમાં અપીલ કરવામાં આવી હતી.
કોવિડ જાગૃતતાને લઈને યોજાયેલી આ બેઠકમાં આસીસ્ટન્ટ પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે જણાવ્યું કે વાહનચાલકો અને વાહનમાં બેસનાર તમામે માસ્ક પહેરવું ફરજીયાત છે. તેમજ તેમણે કહ્યું કે, ફક્ત ૫ રૂપિયાનું માસ્ક તમારી જિંદગી બચાવી શકે છે સાથે જ તમારા પરિવારને પણ બચાવી શકે છે. મર્યાદીત સંખ્યામાં જ ઓટો રીક્ષા અને ટેક્ષીમાં પેસેન્જરને બેસાડવાનો આગ્રહ રાખીએ. સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખીએ તેમજ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્રને સહકાર આપવાનું પણ જણાવ્યું હતુ. આ બેઠકમાં પી.આઈ. જે.પી.ગોસાઇ, આર.ટી.ઓ. ઇન્સ્પેકટર તથા પોલીસ જવાનો તેમજ પાલનપુર શહેરના રીક્ષા ચાલકો અને ટેક્ષી ચાલકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.