PM નરેન્દ્ર મોદી 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરીએ એક જ જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં બનાવેલી બીજી ડેરીનું આજે PM નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે. વડાપ્રધાનના હસ્તે બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન (FM 90.4)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમ જ તેઓ ગઈ કાલે ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે ગયા હતા.
એ મુલાકાત વિશે PMએ વાત કરી હતી કે- ગુજરાતના બાળકોના ભવિષ્યને અને આપણી આવનારી પેઢીઓને આગળ લાવવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર એક મોટી તાકાત બની રહ્યું છે. આપણી સરકારી પ્રાથમિક શાળાઓ જે રીતે આટલી મોટા પ્રમાણમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે એ દુનિયા જોતી રહી ગઈ છે અને એક અજાયબી જેવું છે. હું આ સેક્ટર સાથે આમ તો પહેલાથી જ જોડાયેલો છું, પણ ગુજરાત સરકારનું વિશેષ આમંત્રમણ હતું એટલે હું એને સ્પેશિયલ જોવા માટે ગયો હતો. વિદ્યા સમીક્ષા કેન્દ્રના કામનો જે વિસ્તાર છે, ટેક્નોલોજીનો જે જોરદાર ઉપયોગ એમાં કરવામાં આવ્યો છે એ જોઈને ખરેખર મને ખુબ સારુ લાગ્યું. હવે આ સેન્ટર આખા દેશને દિશા દેખાડનાર સેન્ટર બની ગયું છે. મારે આમ તો એક જ કલાક ત્યાં રોકાવું હતું પણ એમની અજાયબી જોઈને હું એવો ડૂબી ગયો કે ત્યાં જ 2.5 કલાક ચિપકીને રહ્યો. મે શાળાઓના બાળકો સાથે અને શિક્ષકો સાથે વિસ્તારથી વાતો પણ કરી. આખા ગુજરાતમાંથી બાળકો પણ જોડાયા હતા. આજે આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર 54000થી વધારે શાળાઓ, 4.5 લાખ કરતા વધારે શિક્ષકો અને દોઢ કરોડ વિદ્યાર્થીઓ માટે એક ઉર્જાનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયું છે.
આ ઉપરાંત વાત કરવામાં આવે તો કાર્યક્રમના સ્થળેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઇ- લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. ઇ-લોકાર્પણમાં બનાસ ડેરીના ચીઝ અને વ્હે પાઉડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ પાલનપુર, બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સી.એન.જી. સ્ટેશન દામા (ડીસા) અને ઇ- ખાતમુહૂર્તમાં નવીન 4 ગોબરગેસ પ્લાન્ટ- ખીમાણા, રતનપુરા (ભીલડી), રાધનપુર અને થાવર (ધાનેરા)નો સમાવેશ થાય છે. જો કે જોવા જેવી વાત એ પણ છે કે ભારતમાં આવું પહેલીવાર બન્યું હશે કે એક જ જિલ્લામાં બીજો મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો હોય, જૂન-2020માં દિયોદર ખાતે બનાસ ડેરીનું નિર્માણ કાર્ય શરૂ થયું અને માત્ર 18 મહિનાના ટૂંકા ગાળામાં અને કોવિડ-19ની વૈશ્વિક મહામારીની વિપરીત પરિસ્થિતિ વચ્ચે સ્ટેટ ઓફ ધી આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે, જેમાં વિશ્વના જુદા જુદા 7 દેશની મશીનરી આ પ્લાન્ટમાં લગાવાઇ છે.