ગુજરાત પોલીસના આ બે જવાનો ફરિશ્તા બનીને આવ્યા, ઝુલતો પુલ તૂટતાની સાથે જ છલાંગ લગાવી અનેકના જીવ બચાવ્યા

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

મોરબી બ્રિજ અકસ્માતને ચાર દિવસ વીતી ગયા છે. આ અકસ્માતમાં 40 બાળકો સહિત લગભગ 134 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માત બાદ મોરબીમાં શોકનો માહોલ છે. જો કે આ બધાની વચ્ચે ગુજરાત પોલીસના બે દૂતોની બહાદુરી અને માનવતાની પણ ચર્ચાઓ થઈ રહી છે. ખરેખર, ગુજરાત પોલીસના આ બે બહાદુર પોલીસકર્મીઓએ પોતાના જીવની પરવા કર્યા વિના નદીમાં કૂદીને અનેક લોકોના જીવ બચાવ્યા.

આ દિવસોમાં લોકોનો જીવ બચાવતા પોલીસકર્મીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો મુજબ આ પોલીસકર્મીઓના નામ પ્રદીપસિંહ ઝાલા અને વિજય પ્રતાપભાઈ ચાવડા છે. આ બંને મોરબી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ છે. પ્રદીપસિંહ ઝાલા અને વિજય પ્રતાપભાઈ ચાવડા બંને પોલીસકર્મીઓ 30 ઓક્ટોબરે લોકોને બચાવવા મોરબી નદીમાં કૂદી પડ્યા હતા.

તેમની સાથે સ્થાનિક નાગરિક મોહમ્મદ આસીમે પણ લોકોને બચાવવા મોરબી નદીમાં ઝંપલાવ્યું હતું.  રિપોર્ટ્સ અનુસાર અકસ્માત થયો ત્યારે બ્રિજ પર 400 થી 500 લોકો હાજર હતા. બ્રિજ તૂટી પડતાં જ બ્રિજ પર ઊભેલા લોકો મોરબી નદીમાં ડૂબતા ત્યાં હાજર બંને પોલીસકર્મીઓ પ્રદીપસિંહ ઝાલા અને વિજય પ્રતાપભાઈ ચાવડાએ જીવની પરવા કર્યા વિના નદીમાં ઝંપલાવ્યું હતું. બંને તરવું જાણતા હતા તેથી બીજાના જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો.

આ દરમિયાન પ્રદીપ ઝાલાએ તેમના સાથી પોલીસમેન વિજય પ્રતાપભાઈ સાથે મળીને અનેક લોકોને મોતના મુખમાંથી બહાર કાઢ્યા હતા. જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ટ્વિટર પર શેર કરવામા આવ્યો છે. સાથે લખ્યું છે કે, ‘આ જ અસલી ખાખી છે… સલામ.’ સોશિયલ મીડિયા પર આ વીડિયો આવતાની સાથે જ લોકો આ બંને યુનિફોર્મવાળા દૂતની પ્રશંસા કરી રહ્યા છે. તો બીજી તરફ આ અકસ્માત બાદ મોરબી પોલીસે ઓરેવા કંપની સામે ગુનો નોંધ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે.


Share this Article