ગીરનારના જંગલમાં સિંહની સંખ્યામાં વધારો થતા વનરાજા હવે આસપાસના વિસ્તારમાં આંટાફેરા કરવા લાગ્યા છે. જેના કારણે હવે જંગલ વિસ્તારની મર્યાદા વધારવાની ફરજ પડી છે. અમરેલી અને પોરબંદર જિલ્લામાં સિંહનો વસવાટ જોવા મળ્યો છે. એ પછી રાજકોટ જિલ્લાના ગોંડલ, જસદણ અને જેતપુરના વિસ્તારમાં સિંહ જોવા મળી રહ્યા છે. વન વિભાગ તરફથી હવે આ વિસ્તારને બૃહદ ગીરમાં સમાવી લેવાયો છે.
આ વિસ્તારમાં જે ખુલ્લા કુવા છે તેને બાંધવાની શરૂઆત કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં વન વિભાગે 20 જેટલા કૂવા બાંધવાની શરૂઆત કરી દીધી છે. આ ઉપરાંત દિવસ દરમિયાન પણ વીજળ આપવા માટે સરકારને અપીલ કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લાના જુદા જુદા તાલુકાઓ ગોંડલ, જેતપુર, જસદણ તથા રાજકોટ તાલુકાના કેટલાક વિસ્તારમાં સિંહ જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં એનો વસવાટ જોઈ શકાય છે. વર્ષ 2008માં આ વિસ્તારમાં સતત સિંહ દેખાઈ રહ્યા હોવાનું નોંધ્યું હતું.
ખાસ તો વિસ્તારમાં ખોરાક અને પાણી માટે અનુકૂળ થતા સિંહની અવરજવર વધી રહી છે. તાજેતરમાં સિંહની એન્ટ્રી ગોંડલ પંથકમાં થઈ હતી. આ પ્રકારની મુવમેન્ટ જોઈને સરકારે ત્રણેય તાલુકાને બૃહદ ગીર વિસ્તારમાં સમાવવા માટે પગલાં લીધા હતા. ફોરેસ્ટ વિભાગ સાથે જોડાયેલા કેટલાક સુત્રોના જણાવ્યા અનુસાર આ રાજ્યમાં સરકારે સિંહને મુક્ત રીતે હરવાફરવા તથા સિંહ પરિવારને કોઈ નુકસાન ન થાય એ માટે વન વિભાગને જવાબદારી સોંપી છે. વન વિભાગ આ વિસ્તારમાં પણ પોતાની વૉચ વધારી શકે છે.
પણ કિસ્સાઓ એવા પણ બનેલા છે કે, સિંહ માનવ વસાહત સુધી પહોંચી ગયા હોય. સિંહને સુવિધાઓ મળી રહે એ માટે વન વિભાગે પણ સરવે કરવાનો શરૂ કરી દીધો છે. આ સરવે બાદ જ કૂવાઓને બાંધવાની શરૂઆત કરવામાં આવી હતી. જોકે, આ વિસ્તાર ગીરના વિસ્તાર કરતા ઘણો જુદો છે.