ચીનમાં ફેલાયેલા વાઇરસ સામે ભારતમાં સરકાર સચેત થઈ ગઈ છે. રાજ્ય તથા જિલ્લાઓની હોસ્પિલમાં બેડથી લઈને વેન્ટિલેટર સુધીની વસ્તુઓને તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત સ્ટાફને પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ સહિત તમામ સંબંધિત વિભાગોને એલર્ટ કરાયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ગાઈડ લાઈન જાહેર કરી દીધી છે. આ વાઇરસ બાળકોમાં વધુ ફેલાય છે. તેવા પ્રાથમિક અહેવાલો ચીન તરફથી મળી રહ્યા છે.
બાળકો અંગે તકેદારી રાખવા સૂચનાઓ મળતા ચીની વાઇરસ સામે તંત્ર સચેત હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 200 બેડ તૈયાર કરી દેવાયા છે. પેડિયાટીક્સ અને મેડીસીન એચઓડીને સૂચનો કરાયા છે. ઉપરાંત મેનપાવર, લોજીસ્ટીક, દવા, પીપીઇ કીટ, વોર્ડ, બીએસએ પ્લાન્ટ, લીકવીડ, ઓક્સિજન પ્લાન્ટ વગેરેની પુરતી સુવિધા અંગે તંત્રએ ખરાઇ કરી લીધી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેનડેન્ટ ડો.આર. એસ. ત્રિવેદીએ જણાવ્યા મુજબ, નવા વાઇરસ માટે કરવાની થતી સારવાર અને સરકારની ગાઈડ લાઈન મુજબ સ્ટાફને ટ્રેનિંગ આપવા એચઆર મેનેજર તેમજ તમામ વિભાગના એચઓડીને સૂચના અપાઈ છે. આશરે 30 વિભાગો છે. જેના એચઓડી સાથે મિટિંગ કરી સરકારની ગાઈડલાઈન મુજબ પોઇન્ટ ટૂ પોઇન્ટ ચર્ચા કરે હતી.
ઓક્સિજનની ત્રણ મોટી ટેન્ક છે. જેની મોક ડ્રિલ કરાઈ હતી. બાયોકેમિસ્ટ લેબ, પેથોલોજી લેબ, માઇક્રોબાયોલોજી લેબ સંપૂર્ણ સુવિધાથી સજ્જ હોવાની ખરાઈ પણ કરી લેવાઈ છે. બીજી તરફ વાત કરવામાં આવે તો સવારે ઠંડી અને બપોરે સખત ગરમીને કારણે શરદી ઉધરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે વાયરલ ફીવરના કેસ પણ વધી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં આવેલી ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તબીબો હાલની સીઝનમાં બહારનું કંઈ પણ ખાવાની ના પાડી રહ્યા છે. જ્યારે સવારે થોડી કરસત કરવાની અને હેલ્ધી ડાયેલ લેવાની સલાહ આપી રહ્યા છે.