સમગ્ર વિશ્વમાં કોરોના કહેર વરસાવી રહ્યો છે, કોરોનાના સતત વધતાં કેસો ચિંતાનો વિષય બન્યા છે. દરેક જગ્યાએ કોરોનનું સંક્રમણ અટકાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં તંત્રનાં અથાગ પ્રયાસો છતાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. નવા વર્ષનાં જાન્યુઆરી મહિનામાં ગામડાઓમાં પણ કોરોના ફેલાયો હોય તેમ જાન્યુઆરીનાં માત્ર 72 કલાકમાં જુદા જુદા ગામોમાં મળી 64 કેસ નોંધાયા છે. જેને લઈ હવે આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી છે. સંક્રમણને અટકાવવા ગામડાઓમાં પણ રસીકરણ અને ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે.
જિલ્લામાં હાલ 5 શાળાઓ કોરોનાના કેસ આવતા તેને બંધ કરાઇ છે. ત્રંબામાં 21 અને 22 વર્ષના બે યુવાન ઓમિક્રોન પોઝિટિવ જાહેર થતા જિલ્લામાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ કેસ 6 થયા છે. જ્યારે ગઈકાલે ઉપલેટાની ધ મધર્સ ઈન્ટરનેશનલ સ્કૂલના ધો.1થી 10ના ગુજરાતી-અંગ્રેજી માધ્યમનાં 12 વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જાન્યુઆરી મહિનાની પહેલી તારીખે 20 કેસ નોંધાયા હતા. જ્યારે બીજી તારીખે વધુ 20 અને ત્રીજી તારીખે આ સંખ્યા વધીને 24 કેસ સામે આવ્યા હતા.
અંદાજે દર સવા કલાકે જ ગામડાઓમાં પણ એક-એક કેસ નોંધતો હોવાનું સ્પષ્ટ થયું છે. બીજી તરફ શહેરમાં પણ જુદા-જુદા પાંચ સ્થળોએ ટેસ્ટિંગ બુથ શરૂ કરવા સહિતનાં અનેક પ્રયાસો વચ્ચે દરરોજ 40 કેસ નોંધાઈ રહ્યા છે. જો આમ જ રહ્યું તો રાજકોટ શહેર ઉપરાંત ગામડાઓ પણ કોરોનાનાં ભરડામાં આવી જશે તેવું લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ધ મધર્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં કોરોના વિસ્ફોટ થતા મેનેજમેન્ટ દ્વારા 8 દિવસ સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે ત્રંબામાં 21 અને 22 વર્ષના બે યુવાન ઓમિક્રોન પોઝિટિવ જાહેર થતા જિલ્લામાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ કેસ 6 થયા છે.