શંકા એ મગજ અને કાનનું ઝેર છે. જ્યારે શંકાનો કીડો ઉપડે તો ઘણા સંબંધો અને કુટુંબોને બરબાદ કરી નાંખે છે. આવી જ એક ઘટના રાજકોટ જિલ્લાના જસદણમાં બની છે. જ્યાં એક પતિને તેની પત્ની ઉપર શંકા ગઈ કે તેને કોઈ સાથે સંબંધ છે અને પતિએ હેવાન બનીને પત્નીની હત્યા કરી હતી. ઘટના રાજકોટ જિલ્લાના જસદણની છે. જ્યાં એક પતિએ તેની પત્નીને બીજા સાથે સબંધ છે તેની શંકા રાખીને તેની ગળું દબાવીને હત્યા કરી છે, જસદણના ગઢડીયા રોડ પર અહેમદશા બચુભા પઠાણ તેના પરિવાર સાથે રહેતો હતો.
ગયા મંગળવારે રાત્રે ૩ વાગ્યાની આસપાસ બંને પતિ પત્ની વચ્ચે ઝગડો થયો હતો. ઉશ્કેરાયેલ પતિએ તેની પત્નીને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હતી. પતિ પત્ની બંને જ્યારે તેમના રૂમમાં હતા ત્યારે તેનો ઝઘડો બહાર સૂતેલા તેના માતા પણ સાંભળતા હતા. પરંતુ પતિપત્ની વચ્ચે કયા કારણોસર ઝઘડો થયો છે તેની ખબર તેમને ના હતી. થોડી વાર બાદ અહેમદશાએ રૂમમાથી બહાર આવીને માતાને કહ્યુ કે, તેણે પત્નીની હત્યા કરી છે. ત્યાર બાદ તરત જ અહેમદશા પઠાણ જસદણ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો અને પોતે કરેલ પત્નીની હત્યા અંગે પોલીસને જાણ કરી હતી.
જસદણના રહેવાસી એવા એહમદશા બચુભા પઠાણના લગ્ન ભાવનગર જિલ્લાના રંઘોળા પાસે આવેલ ગડુલા ગામે આશિયા નામની યુવતી સાથે ૪ મહિના પહેલા થયા હતા. હજુ લગ્ન જીવનન માત્ર ૪ મહિના જ થયા હતા, આશિયાના અને એહમદશા એકબીજાને પૂરતા ઓળખી પણ નહોતા શક્યા, ત્યારે જ એહમદશાએ પત્ની આશિયાનાની હત્યા કરી હતી. ઘણા દિવસોથી એહમદશાને તેની પત્ની બીજા અન્ય પુરુષ સાથે વાત કરે છે તેની શંકા હતી.
એહમદશાને પત્ની આશિયાના મોબાઈલ ઉપર સતત કોઈ બીજા સાથે વાત કરતી હોવાની વાતને લઈને મગજમાં ગુસ્સો ભરાઈ ગયો હતો, ત્યારે રાત્રે પત્ની આશિયાના સાથે આ બાબતે ઝગડો થયો હતો અને તેણે પત્નીની હત્યા કરી હતી. પત્ની આશિયાનાની હત્યા બાદ પતિ એહમદશા જસદણ પોલીસમાં હાજર થયો હતો અને તેણે હત્યા કર્યાની કબૂલાત કરી હતી. જસદણ પોલીસે બંને પતિ અને પત્નીના મોબાઇલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.