આઝાદીના ૭૫ વર્ષ બાદ આજે પણ દેશમાંથી અસ્પૃશ્યતાનું અસ્તિત્વ ખોવાયું નથી. જે અંગેના છાશવારે કિસ્સા સામે આવતા હોય છે. તેવામાં બોલતા પુરાવા રૂપ વધુ એક બનાવ જેતપુરના જામકંડોરણના સાજડીયાળી ગામે સામે આવી છે. જેને લઇને ખળભળાટ મચી ગયો છે. જેતપુરના જામકંડોરણના સાજડીયાળી ગામનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સાજડીયાળી ગામે પ્રાથમિક શાળાના આચાર્ય બાળકો પર ભેદભાવ રાખતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આચાર્ય વિજય રાણપરિયા શાળામાં અનુસૂચિત જાતિના બાળકો સાથે ભેદભાવ રાખી અલગ બેસાડતા હોવાનું સામે આવતા રોષ ફેલાયો છે.
રાજકોટ જિલ્લાના સાજડીયાળી ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના બાળકો સાથે શાળાના આચાર્ય વિજય રાણપરિયા ઓર્માયું વર્તન કરતા હોવાનું સામે આવ્યું છે. આ અંગે જાગૃત વાલીએ વીડિયો બનાવીને સોશીયલ મીડિયામાં વહેતો કર્યો હતો. શાળામાં બાળકને અલગ અને નિચે બેસાડવામાં આવતો હોવાનો વીડિયોમાં જણાવાઇ રહ્યું છે.
જેમાં શાળાના આચાર્યએ વાલી સામે ખુલ્લે આમ કબૂલ્યું હતું કે હા હું આભડછેટ રાખું છું અને આચાર્યને કાયદાનો સહેજ પણ ડરના હોય તેમ ખુલ્લે આમ તમે ફરિયાદ કરી દો તેમ જણાવી ઉદ્ધતાઇપૂર્વક વર્તન કર્યું હતું. એટલું જ નહીં નીતિ, નિયમ નેવે મૂકીને પોતે શાળાએ ૧૫ દિવસથી હાજર ન હોવાનું પણ કબૂલ્યું હતું. જેને પગલે છીછરી માનસિકતા ધરાવતા આચાર્ય સામે વાલીઑ આકરા પાણીએ થયા છે અને શાળાના આચાર્ય સામે કાયદાકીય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. તેવામાં વીડિયો બાદ સમાધાન માટેના પ્રયાસોની પણ ઓડિયો ક્લીપ આવી સામે છે.