લોકપત્રિકા સ્પેશિયલ
સંઘર્ષમાંથી ઉગરેલા સેલેબ્રિટી
ઓથર- અલ્પેશ કારેણા
જેવી રીતે દિવાલ ચીરીને કૂંપળ કંઈ ખાસ નીકળે, એવી રીતે દિવ્યાંગોની છાતી ચીરો તો આત્મવિશ્વાસ નીકળે, આ ઉક્તિ ખરેખર સાબિત થાય એવા એક દિવ્યાંગની આજે તમારી સમક્ષ વાત કરવાની છે. આ શખ્સિયતનું નામ છે સૌરભ ગઢવી. 24 વર્ષનો આ દિવ્યાંગ ભારતના દરેક દિગ્ગજ સંગીત કલાકારનું મન મોહી રહ્યો છે. ડ્રમર અને પરકશનિસ્ટ એવા સૌરભ ગઢવીની મહેનત અને સિદ્ધિ ખરેખર કાબિલ-એ-દાદ છે. રેપર બાદશાહ, સોના મોહાપાત્રા, અમેરિકન યુટ્યુબર વિદ્યા વોક્સ અને અફસાના ખાન જેવા પ્રખ્યાત બૉલીવુડ અને સોશિયલ મીડિયાના ટોચના કલાકારો પણ સૌરભના વિડીયો જોઈને આનંદિત થાય છે. તો આવો જાણીએ સૌરભના જીવન અને કવનને….
દીકરાના જન્મ સમયે પિતાની હાલત અવર્ણનીય
સૌરભ ગઢવીની હજુ માત્ર 24 વર્ષ ઉંમર છે. શારીરિક 80% અસ્થિવિષયક વિકલાંગતા ધરાવે છું. જન્મજાત કેલ્શિયમની ખામીને લીધે ડાબા હાથનો કોણી સુધીનો જ વિકાસ થયો હતો. જન્મ સમયે પરિવારને સૌરભની પરિસ્થિતિ જોઇને દીકરાના ભવિષ્ય માટે ચિંતા હતી. સૌરભભાઈ જણાવે છે કે મારા જન્મ સમયે પિતા શિકાગો નવરાત્રિમાં હતા, પરિવારના અન્ય સભ્યોએ મારી જન્મજાત #GodGift વિશે તેમને જણાવ્યું નહોતું. મારા જન્મને દોઢ મહિના થયે, જ્યારે તેઓ વિદેશ પ્રવાસથી પરત ફર્યા ત્યારે મને જોઈને એમની જે મનોદશા હતી એ હું વર્ણવી શકું તેમ નથી. પણ હા, એટલું ખરું કે એ દોઢ મહિના દરમ્યાન એમણે મારા માટે જે સપનાઓ જોયા હશે એ જ હું આજે પૂર્ણ કરી રહ્યો છું.
પરિવારે પણ કમાઈ છે ખુબ નામના
સૌરવભાઈના પરિવાર વિશે વાત કરીએ તો તેઓ જણાવે છે કે મારા પિતા દિનેશ ગઢવી તબલાવાદક છે. મારા મોટાબાપુ (પિતાના મોટાભાઈ) ચેતન ગઢવી ગાયક છે. તેમનો પુત્ર નિનાદ ગઢવી ડ્રમર છે. મારા પિતા અને મોટાબાપુએ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નવરાત્રી, લોક ડાયરો તેમજ અનેકવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો દ્વારા અમારી ગુજરાતી સંસ્કૃતિને આગળ લાવવા અનેકવિધ કાર્યક્રમો આપેલા છે. મારા આ સંગીતમય પરિવારના જીવન ઘડતરમાં જેમનો મોટો ફાળો છે એવા મારા દાદા ઇશરદાન ગઢવી ચિત્રકાર છે જેઓએ “મોગલ” માતાજીની વિશ્વવિખ્યાત છબી બનાવેલી છે તેમજ પોરબંદરના ભારતમંદિરમાં તેમણે દોરેલા ચિત્રો આજે પણ કોઈપણ ચિત્રકાર માટે પ્રેરણારૂપ છે.
માત્ર બોલિવૂડ જ નહીં વિશ્વના કલાકારો પણ દિવાના
સૌરભભાઈ જણાવે છે કે 2020નો અંત અને 2021ની શરૂઆત બંને એમના માટે મહત્વના રહ્યાં. આ સમયમાં વિશ્વ વિખ્યાત બોલીવુડ સિંગર શ્રી સોનુ નિગમ, બાદશાહ અને પંજાબી ફોક-સૂફી કિંગ માસ્ટર સલીમ, સલીમ-સુલેમાન અને સચિન-જીગર જેવા અનેક નામી કલાકારોએ પણ મારો વીડિયો શેર કર્યો અને ભારત ભરમાં લોકોએ મને વખાણ્યો. મારા આઈડલ વિશ્વના શ્રેષ્ઠ ડ્રમર શિવમણી સર કે જેઓ એ આર રેહમાનથી લઇ તમામ સર્વશ્રેષ્ઠ બોલીવુડ કલાકારોના સંગીતકાર છે તેમણે મારી કલાને બિરદાવી છે. સાથે જ ફાલ્ગુની પાઠક, નીલાદ્રી કુમાર, ઉસ્તાદ તૌફીક કુરેશી , શ્રી અનુરાધા પાલ, શ્રી નવીન શર્મા , શ્રી ઓજસ અઢિયા , શ્રી સૌરભ ગોહો તરફથી પણ મારી કલા પ્રત્યે સરાહના અને ભવિષ્ય માટે શુભકામના મળી છે. સૌરવભાઈએ બૉલીવુડ સિંગર એશકિંગ સાથે પર્ફોમ કરેલું છે, તેમણે પણ કલાને બિરદાવી છે આ ઉપરાંત રેપર બાદશાહ, સોના મોહાપાત્રા, અમેરિકન યુટ્યુબર વિદ્યા વોક્સ અને અફસાના ખાન જેવા પ્રખ્યાત બૉલીવુડ અને સોશિયલ મીડિયાના ટોચના કલાકારોએ વિડીયો જોઈને આશીર્વાદ આપ્યા છે.
આ રીતે થઈ કલાકાર બનવાની શરૂઆત
સૌરભભાઈ જણાવે છે કે, હું જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારથી મારા પિતા દિનેશ ગઢવી પાસે તબલા, ઢોલ, ઢોલક વગેરે વાજિંત્રો સાંભળતો, શીખતો અને તેનું જ્ઞાન મેળવતો. પરંતુ આ બધા વાજિંત્રોમાં હાથની આંગળીઓનો ઉપયોગ મુખ્ય હતો. જેથી આ વાજિંત્રો વગાડવા મારા માટે ખૂબ કઠિન હતા. ત્યારબાદ મે ડાબા હાથમાં મારી જાતે મોઢા વડે લાંબા રૂમાલથી ડ્રમસ્ટીક/લાકડી બાંધીને ટીંબાલી, રોટો ડ્રમ ,નગારા વગેરે વાજિંત્રો વગાડવાનું અને શીખવાનું શરૂ કર્યું. લોકોની તમામ વાતોને અવગણીને મને સામાન્ય બાળકની જેમ જ ઉછેરવામાં આવ્યો. મારામાં રહેલી આવડત બહાર લાવવા અને અમારા પરિવારના સંગીતના વારસાને આગળ ધપાવવા મારે કંઇક કરવું હતું. ” લોકો શું કહેશે ? ” , ” કલાકારો શુ કહેશે ? ” એ ભૂલીને તેમજ અમુક લોકોની ટિપ્પણીઓને ગણકારીને એક હાથે સ્ટીક બાંધીને ડ્રમ શીખવાનું શરૂ રાખ્યું.થોડા જ સમયમાં સૌ કોઈએ મને આવકાર આપ્યો અને મારી કલાને માન – સન્માન આપ્યું.
મંદિરમાં અને શાળામાં ડ્રમ વગાડવાનું શરૂ કર્યું
કારકિર્દીમી શરૂઆત વિશે સૌરભભાઈ જણાવે છે કે, 2007 માં 10 વર્ષની વયથી મેં મંદિરોમાં આરતી, ગણપતિ પૂજન, સ્કૂલના કાર્યક્રમોમાં વગેરેમાં ડ્રમ વગાડવાનું શરૂ કર્યું હતું. પછી 2009માં ઓલ ઇન્ડિયા રેડિયો (AIR) માં મારી કલા રજૂ કરવાની તક મળી. જેથી મારા વિશે અનેક વર્તમાનપત્રો,સામયિકો ,ન્યુઝ ચેનલોમાં મારા ઈન્ટરવ્યું આવવા લાગ્યા. 2012 થી મેં ગરબીથી માંડીને અર્વાચીન રાસોત્સવમાં પર્ફોર્મન્સ આપ્યું. આ સિવાય વિવિધ ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે વેડીંગ ઇવેન્ટ્સ માટે હું મારા “એસ.ડી. ગઢવી & રિધમ” ગ્રુપથી રિધમ એરેન્જ કરું છુ.
તેમજ વાર-તહેવારો પર થતા વિવિધ કાર્યક્રમોમાં સોલો પરફોર્મન્સ તેમજ વોટર ડ્રમિંગ, ફાયર ડ્રમિંગ અને ઇન્ડિયન રિધમ સોલો જેવા અલગ અલગ કોન્સેપ્ટ રજૂ કરું છુ. મે ગુજરાત સિવાય મુંબઈ, દિલ્હી, જયપુર, જેસલમેર , હૈદરાબાદ, રાયપુર , છત્તીસગઢ , ઓડિશામાં પણ કાર્યક્રમો આપેલા છે. આ ઉપરાંત મારા જેવા અન્ય દિવ્યાંગ લોકો માટે યોજાતા કાર્યક્રમોમાં પણ હું પુરા જોશ-ઉત્સાહથી જોડાયેલ રહું છું.
રેકોર્ડ બ્રેક હેટ – ટ્રિકસ
સંગીત ક્ષેત્રે કાર્યક્રમોની અમુક ખાસ યાદીઓ વિશે સૌરભભાઈ વાત કરે છે કે જેમાં અમુક રેકોર્ડ બ્રેક હેટ – ટ્રિકસ છે. જેનાથી મને રાજકોટના લોકો એ વધુ ઓળખ્યો એ રાજકોટ મેરેથોનમાં સતત ૩ વાર મને પરફોર્મન્સ આપવા આમંત્રિત કરવામાં આવ્યો. અહી રાતના ૪ વાગ્યાથી સવારના ૧૧ વાગ્યા સુધી વિવિધ પરફોર્મન્સ અને ડી.જે. સાથે લાઈવ ડ્રમ પ્લે કરવામાં ખૂબ આનંદ મેળવતો અને મેરેથોન રનર્સને પ્રોત્સાહન અને મનોરંજન પૂરું પાડતો. કણસાગરા કોલેજના NSS કેમ્પ માં પણ ૩ વખત પર્ફોર્મ કર્યું. આ ઉપરાંત રાજકોટમાં નવરાત્રિ દરમ્યાન પ્રખ્યાત રજવાડી રાસ મહોત્સવમાં સતત ૩ વર્ષ ખેલૈયાઓને ઝુમાવવાની અને માતાજીના આશીર્વાદ મેળવવાની વિશેષ તક મળી. 2018માં મુંબઈમાં નવરાત્રી દરમયાન કાર્યક્રમો આપ્યા. સૌથી યાદગાર અને મારું પ્રિય સ્ટેજ જે મને એમ. એસ. યુનિવર્સિટીમાં સોલો પર્ફોમર તરીકે સ્થાન મળ્યું એ છે. અહી મે દેશના કલાજગતના વિવિધ સેલિબ્રિટી આર્ટિસ્ટ જેવાકે એમ.જે. 5 અને સુશાંત ખત્રી સાથે સ્ટેજ શેર કર્યું. એ મારા જીવનની સૌથી યાદગાર ઘટના છે. ત્યાં કલાકારોને કોઈવાર જ બીજી વાર રીપીટ કરાય છે પણ અહીં મે સતત ત્રણ વર્ષ પરફોર્મ આપ્યું જે રેકોર્ડ છે.
એશિયાની સૌથી મોટી ઈવેન્ટમાં પણ પરફોર્મન્સ કર્યું
એશિયાની સૌથી મોટી ” રામોજી ” ફિલ્મસિટી – હૈદરબાદમાં પણ મને પ્રાઇવેટ પાર્ટીમાં સોલો પરફોર્મન્સ આપવાની તક મળી હતી. દર વર્ષે રાજકોટ મેરેથોન માં સોલો પર્ફોર્મર તરીકે દિવ્યાંગ રનર્સ અને અન્ય રનર્સ ને મનોરંજન પૂરું પાડી રાજકોટમાં મેરેથોનના ટોપ 3 સ્ટેજમાં અમારું સ્ટેજ પસંદગી પામ્યું. 2015 થી 2019 ના સમયમાં મને સંગીત ક્ષેત્રે ખુબજ નામના મળી. 2019ના અંતમાં મે નવરાત્રિ અને દિવાળી માટે માન્ચેસ્ટર – યુકે ની 2 મહિના માટેની વિશેષ ટુર કરી. જ્યાં મને ખુબજ માન મળ્યું અને સફળ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ તરીકે મારી કારકિર્દી શરુ થઈ. આ ટુર પૂર્ણ કરી પરત ફરતા મને ખૂબ જ સારા સમાચાર પ્રાપ્ત થયા. એક દિવ્યાંગ વ્યક્તિ તરીકે સ્વ રોજગાર ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ કામગીરી માટે મને ગુજરાત સરકાર તરફથી વિશેષ દિવ્યાંગ પારિતોષિક એવોર્ડ મળ્યો. આ સાથે મને અન્ય સંસ્થાઓ અને પ્રાઇવેટ ઇવેન્ટ મેનજમેન્ટ તરફથી પણ અનેકવિધ એવોર્ડ્સ મળ્યા.
ભણવામાં પણ અવ્વલ
સૌરભભાઈ વાત કરે છે કે મેં મારા સંગીતના શોખ સાથે મારા ભણતરને પણ એટલું જ મહત્વ આપ્યું છે.મેં એસ.એસ.સી.ની પરીક્ષામાં PR 79.17, એચ.એસ.સી.ની પરીક્ષામાં PR 91.14 અને હાલમાં મારુ બી.કોમ. 70.93% સાથે પુર્ણ કરેલ છે અને હાલમાં એમ.કોમ. સાથે સરકારી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છું. મારા કાર્યક્રમો, મારા ઇન્ટરવ્યૂ, મને મળેલા સન્માન અને સેર્ટિફિકેટ તેમજ મારા સોલો પર્ફોર્મન્સના વિડીયો યૂટ્યૂબ/ફેસબુક/ઈન્સ્ટાગ્રામ માં Saurabh Gadhavi સર્ચ કરી મેળવો અને ત્યાં તમારો પ્રતિભાવ આપો એ મારા માટે આશીર્વાદસમાન છે.