છેલ્લા 8 દિવસથી એક મુદ્દો ભારે ગાજી રહ્યો છે. પરંતુ તેનું કોઈ સમાધાન આવ્યું નથી. રાજકોટમાં મૂળ ધ્રાંગધ્રાના કોંઢ ગામના ક્ષત્રિય યુવાન પર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરિતે લાકડી વડે હુમલો કર્યો હતો અને યુવકને ગંભીર ઈજા પણ થઈ હતી. ત્યારપછી દેવાયત ખવડ ભાગી ગયો છે અને ફરાર છે. રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડ 8 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે. દેવાયત ખવડ અને પોલીસ પોલીસકર્મીઓ વચ્ચે સાઠગાંઠ હોવાના પણ આ દિવસોમાં આક્ષેપો થઈ રહ્યા છે. એવામાં આ મામલે DCP ઝોન-2 સુધીરકુમાર દેસાઈનું નિવેદન સામે આવ્યું છે અને ખળભળાટ મચી ગયો છે.
સાથે જ એક બીજા મોટા સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે હવે મયુરસિંહ રાણાના પરિવારે હુમલા અંગેની વાત છેક PMO સુધી પહોંચાડી છે. PMO સુધી મયુરસિંહ રાણાના પરિવારે આ ઘટના અંગેની રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરતા જ ચારેકોર હાહાકાર મચી ગયો છે. તો વળી ગઈકાલે આ અંગે ક્ષત્રિય સમાજે પણ આ અંગે પોલીસમાં રજૂઆત કરી હતી અને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે માગ કરી હતી. એ જ રીતે DCP ઝોન-2 સુધીરકુમાર દેસાઈએ જણાવ્યું કે, પીડિતના પરિવારજનો આજે રજૂઆત માટે આવ્યા હતા. આ દરમિયાન અત્યાર સુધીમાં આરોપીને પકડવા માટે જે કંઈ કામગીરી કરવામાં આવી છે, પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. તે અંગે તેમને(પીડિતના પરિવારને) માહિતગાર કરવા આવ્યા હતા. સાથે જ આગળની પોલીસ દ્વારા કરવામાં આવનાર કાર્યવાહીની પણ તેઓને સમજ આપવામાં આવી છે. પીડિતના પરિવારની રજૂઆત છે તેની નોંધ લઈને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. તો વળી આરોપીના ઠેકાણા પર પોલીસે દરોડા પાડ્યા છે. પોલીસે તેમના લાગતાવળગતા લોકોના નિવેદન પણ નોંધ્યા છે. હાલ ટેકનિકલ સર્વેલન્સના આધારે પણ પોલીસ આરોપી પકડવા માટે પ્રયત્નશીલ છે.
જો કે મર્દાનગીની વાતો કરતા દેવાયત ખવડે ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી હતી. દેવાયત ખવડે કરેલી આગોતરા જામીનની અરજીની સુનાવણી ગઇકાલે ટળી ગઇ હતી. ત્યારે હવે રાજકોટ કોર્ટમાં આગામી 17 ડિસેમ્બરે દેવાયત ખવડની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. ગઈ કાલની જ વાત કરીએ તો દેવાયત ખવડે જ્યારથી રાજકોટના કોંઢ ગામના ક્ષત્રિય યુવાન પર હુમલો કર્યો ત્યારથી તેની મુશ્કેલી વધી ગઈ છે. આ હુમલો કર્યા બાદ તે ઘટના સ્થળેથી ભાગી ગયો હતો અને હવે પોલીસ તેની શોધ કરી રહી છે પણ હજુ સુધી કોઈ માહિતી મળી નથી. આ મામલે હવે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ક્ષત્રિય સમાજ કાલાવડ હવે હુમલાખોરોને પકડી પાડવાની માંગ કરી છે. આ સાર્થે કાલાવડમાં કોઈપણ જગ્યાએ આ કલાકારનો કાર્યક્રમ નહીં થવા દેવાની ખુલ્લી ચીમકી આપી છે. બીજી તરફ મયુરસિંહ રાણાના પરિવારે પણ આક્ષેપ કર્યો છે કે દેવાયત ખવડ અને પોલીસ વચ્ચે સાઠગાંઠ છે આથી જ 8 દિવસ થયા હોવા છતાં હજુ પણ દેવાયત ખવડની ધરપકડ થઈ શકી નથી.
મળતી માહિતી મુજબ રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યા બાદ આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશમા દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ફરિયાદ દાખલ કરવામા આવી હતી. જો કે દેવાયત ખવડે આગોતરા જામીનની અરજી કરી હોવાના પણ સમાચાર છે. આજે રાજકોટ કોર્ટમાં દેવાયત ખવડની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. તો વળી એક જૂનો વીડિયો પણ આ દિવસોમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો દેવાયત ખવડ અને મયુર સિંહ રાણાનો છે જેમા જોઈ શકાય છે કે મયુર સિંહ રાણા દેવાયત ખવડના સ્ટેજના પ્રોગ્રામ પર પૈસા ઉડાવી રહ્યો છે. બીજી તરફ દેવાયત ખવડ પણ મયુર સિંહ રાણાના બે મોઢે વખાણ કરી રહ્યો છે.