ધંધુકાના કિશન ભરવાડની હત્યા મામલે રાજકોટમાં પોલીસ કમિશનર કચેરી પાસે લોકોનું ટોળું એકત્ર થયું હતું અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તકે અહીં દુકાનોને પણ બંધ કરાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં એકત્ર થયેલા ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ થતા ફુલછાબ ચોક સુધી અફરાતફરી જોવા મળી હતી. સાથે જ લોહીલુહાણના પણ કિસ્સા સામે આવ્યા છે અને જેના તસવીરો વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
રાજકોટમાં જ્યાં આ રેલી કરવામાં આવી હતી ત્યાં “કિશન હમ શરમિંદા હૈ, તેરા કાતિલ અભી જિંદા હૈ”ના નારા સાથે કિશનની હત્યાના આરોપીઓનું તાત્કાલિક એન્કાઉન્ટર કરવાની પણ સમગ્ર માલધારી સમાજ માગણી છે. રાજકોટમાં તો દેખાવો કરી રહેલા ટોળા પર પોલીસે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને તેના પરિણામે કેટલાક યુવાનોને ઈજા થતા ભારેલા અગ્નિની સ્થિતિ ફેલાઈ હતી. જો વાત કરીએ રાજકોટની તો રેસકોર્સ રોડ થઈને કલેક્ટર કચેરી તરફ જતા રસ્તા પર માલધારી સમાજ મોટી સંખ્યામાં ભેગો થયો હતો.
જો કે ન માત્ર માલધારી સમાજ પણ સાથે સાથે હિન્દુ સંગઠનો ઉપરાંત સ્થાનિક યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ‘કિશનના હત્યારાઓને ફાંસી આપો… ફાંસી આપો…, હિન્દુ સંસ્કૃતિ જિંદાબાદ’ના નારા સાથે આ રસ્તાઓ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ તમામ યુવાનો-સમાજના આગેવાનોની એક જ માગ હતી કે કોઈ પણ ભોગે કિશનના હત્યારાઓને સજા થવી જ જોઈએ. આ રીતે હિન્દુ સંસ્કૃતિ પરના હુમલાને આ દેશમાં ચલાવી લેવાશે નહીં.