તાઉતે વાવાઝોડું અને માવઠા નડ્યા હોવાથી આ વર્ષે અનોખી મીઠાશ અને સ્વાદ ધરાવતી કેસર કેરી મોંધી અને મોડી ખાવા મળશે તેવા અહેવાલ મળ્યા છે. ખેડૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, કેસર કેરી આ વર્ષે એપ્રિલને બદલે મે મહિનામાં આવશે. સૌરાષ્ટ્રમાં ત્રાટકેલા વાવાઝોડાને કારણે હજારો આંબાઓના મુળિયા હલબલી ગયા છે અને ઉપરથી ગત શિયાળામાં ઉપરાઉપરી કમોસમી વરસાદથી આ વખતે કેસર કેરી મોડી ઉપરાંત મોંઘી મળશે.
કેસર કેરીનું સૌથી મોટું બજાર તાલાલામાં આવેલું છે. ત્યાંના ખેડૂત સૂત્રો અનુસાર ચાર વર્ષથી ગીરની વિખ્યાત કેરીની આવકમાં ઘટાડો થયો છે અને દર વર્ષે વધતા રહ્યા છે, અને આ વર્ષે તો મોટો જમ્પ આવે તેવી શક્યતા છે. અહેવાલો અનુસાર તાલાલા માર્કેટ યાર્ડમાં ૨૦૧૦-૧૧માં સર્વાધિક ૧.૪૮ લાખ ક્વિન્ટલ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ૫ લાખ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી.જ્યારે ગત વર્ષે ૨૦૨૧માં યાર્ડમાં ૬૮૭૯૩ ક્વિન્ટલ આવક થઈ છે.
જણાવી દઈએ કે, કેરીના સોદા ૧૦ કિલોના બોક્સ લેખે થતા હોય છે. ગત વર્ષે આવા એક બોક્સની કિંમત ૩૭૫ હતી પરંતુ સારી ક્વોલિટીની કેસર કેરીનું બોક્સ ૮૦૦માં વેચાયું હતું. ખેડૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, કેરીનો પાક સામાન્ય રીતે મે મહિનાની શરૂઆતમાં આવી જતો હોય છે, પરંતુ આ વર્ષે સારી કેરી મે મહિનાના અંતમાં આવશે, જૂન મહિનામાં વરસાદ શરૂ થઈ જતો હોવાથી સારી કેરીનો પિરિયડ ઓછો રહેશે.
વિવિધ ફેક્ટરો જાેતાં ૧૦ કિલો બોક્સના ભાવ ૮૦૦થી ૧૫૦૦ રહે એવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, તડકો સારો પડે તો કેરીનું ફળ વિકસિત થતું હોય છે. જાે કે, કેટલો અને કેવો પાક હશે તે મહદઅંશે અનિશ્ચિત અને કુદરત પર જ આધારિત રહેતું હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પર ત્રાટકેલા તૌકતે વાવાઝોડાથી સૌરાષ્ટ્રમાં ૧૩,૮૦૦ હેક્ટરમાં પથરાયેલા આંબાના વૃક્ષ ઝપેટમાં આવ્યા હતા. ત્યારબાદ સતત બદલાતી આબોહવાને કારણે પણ કેરીના પાકને નુકસાન થયું હોવાથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો. જાે કે, આ વર્ષે પણ ઉત્પાદન ઓછું થવાની શંકા હોવાથી લોકોએ કેસર કેરીનો સ્વાદ માણવા માટે સામાન્ય કરતા વધારે રૂપિયા ચૂકવવા પડી શકે છે.