શહેરની એક હોસ્પિટલમાં અભૂતપુર્વ ઘટના બની છે. સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં ૨૩ નવજાત બાળકોનો જન્મ થયો છે. જેના પગલે હોસ્પિટલના સ્ટાફમાં આનંદની લાગણી છવાઈ છે. આ ઐતિહાસિક ઘટનામાં સહભાગી બનેલા ગાયનેકોલોજિસ્ટ સ્ટાફની કામગીરીને પણ બિરદાવવામાં આવી રહી છે. સુરતની ડાયમંડ હોસ્પિટલના છેલ્લા આઠ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત એક જ દિવસમાં ૨૩ બાળકોનો જન્મ થયો છે. ૨૩ બાળકો પૈકી ૧૨ દંપતીના ઘરે દીકરી જ્યારે ૧૧ દંપતીના ઘરે દીકરાનો જન્મ થયો છે.
તંદુરસ્ત બાળકોના જન્મ સાથે જ હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ તમામ દંપત્તીઓને શુભેચ્છા પાઠવવાની સાથે સાથે આ ઐતિહાસિક ઘટના માટે જહેમત ઉઠાવનારા હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો.રિધ્ધિ વાઘાણી , ડો. કલ્પના પટેલ, ડો.ભાવેશ પરમાર, અનેસ્થેટીક ડો.અલ્કા ભૂત, ડો.આકાશ ત્રિવેદી તેમજ ગાયનેક વિભાગ અને ઓપરેશન થિયેટર વિભાગના સ્ટાફનો પણ હોસ્પિટલના ટ્રસ્ટી અને મેનેજમેન્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સુરત ડાયમંડ એસોસીએશનના આરોગ્ય સમિતિ સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં ટ્રસ્ટીઓ દ્વારા ‘બેટી બચાઓ બેટી વધાવો’ યોજનાને ખરા અર્થમાં સાકાર કરવામા આવી હોય તેમ લાગી રહ્યુ છે. જેના ભાગરૂપે જ નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. હોસ્પિટલમાં પુત્રીના જન્મ સાથે જ એક લાખ રૂપિયાના બોન્ડ હોસ્પિટલ દ્વારા આપવામાં આવે છે. અત્યાર સુધી હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા બે હજાર પુત્રીઓને ૨૦ કરોડના બોન્ડનું વિતરણ કરવામાં આવ્યું છે.