ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલ ગોયાણીને ફાંસીની સજાનું કોર્ટે એલાન કર્યા પછી સરકારી વકીલ નયન સુખડવાલાએ વિગતે ઘટના અને કોર્ટમાં ચાલેલી કાર્યવાહી અંગે જણાવ્યું છે. આ સાથે તેમણે અહીં કેસને લગતી મહત્વની બાબતો જણાવી હતી. કોર્ટે આ કેસમાં એક મહત્વની વાત કરીને જણાવ્યું કે આ ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ કેસ છે, જેથી આરોપીને અંતિમ શ્વાસ સુધી ફાંસીના માચડા પર લટકાવી રાખવાની કડક સજા કરી છે.
આજે જ્યારે ફેનિલને કોર્ટમાં લાવવામાં આવ્યો તો તેને કોઈ વાતનો અફસોસ ના હોય તે રીતે હસતો હસતો કોર્ટના પગથિયા ચઢી રહ્યો હતો. નોંધનીય છે કે આ કેસમાં ૭૦ દિવસ સુધી ડે-ટુ-ડે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ઘટનાનો વિડીયો સહિત ૧૦૦ જેટલા સાક્ષીના નિવેદનો અને મેડિકલ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. હત્યા કેસ બાદ તાત્કાલિક આ કેસની ૨૫૦૦ પાનાની ચાર્જશીટ અને ૧૨૦ દસ્તાવેજી પુરાવા સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
કોર્ટે ૧૨ ફેબ્રુઆરીએ સુરતના પાસોદરામાં જાહેરમાં ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માના ગળા પર ચાકુ ફેરવીને તેની ર્નિમમ હત્યા કરી હતી, રિપોર્ટ્સ મુજબ આરોપીને સજા સંભળાવતી વખતે કોર્ટે ટાંક્યું હતું કે, આ અધમ અને અમાનવીય કૃત્ય છે, આરોપીને મૃત્યુ દંડ સિવાય બીજાે કોઈ વિકલ્પ નથી તેમ પણ કોર્ટે નોંધ્યું હતું. ફેનિલને પોલીસના વાહનમાં જ્યારે કોર્ટ પરિસરમાં લવાયો તે પછી જ્યારે તે કોર્ટ તરફ ચાલીને જતો હતો ત્યારે હસતો દેખાયો હતો.
ધ્રૂણાસ્પદ કૃત્ય કર્યા પછી પણ જાણે કોઈ અફસોસ ના હોય તે રીતે તે હસતા-હસતા કોર્ટના દાદરા ચઢી રહ્યો હતો. ગ્રીષ્મના પરિવારજનોએ પોતાની દીકરીને ન્યાય મળ્યો હોવાની વાત કરી હતી. મૃતક ગ્રીષ્માના પિતાએ સજાના એલાન બાદ કહ્યું કે, ‘હવે ફેનિલને ફાંસીએ લટકાવવામાં આવે એ જ આશા.
સરકારી વકીલ નયન સુખડવાલએ કોર્ટે સજા સંભળાવ્યા બાદ જણાવ્યું છે કે, ગ્રીષ્મા હત્યા કેસમાં સુરતના મુખ્ય ન્યાયાધિશે આરોપી ફેનિલને સજા સંભળાવી છે.
આરોપી ફેનિલ ગોયાણીને આઈપીસીની કલમ ૩૦૨ હેઠળ કસુરવાર ઠેરવીને મૃત્યુદંડની સજા સંભળાવી છે અને આરોપીને દંડ પણ કરવામાં આવ્યો છે. આરોપીને કલમ ૩૦૭ હેઠળ પણ સજા કરવામાં આવી છે કારણ કે બે સાક્ષી ઘાયલ થયા હતા. આ સાથે અન્ય કલમો હેઠળ પણ આરોપીને સજા સંભળાવવામાં આવી છે. ભોગ બનનારને વળતર મળે તેવી પણ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે.
સરકારી વકીલે કહ્યું કે, કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણાવ્યો છે.
કારણ કે પૂર્વ તૈયારી સાથે આ આખો બનાવ બન્યો છે. આરોપીએ ત્યાં હાજર લોકોમાં પણ ડર ઉભો કરી નાખે તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું. આરોપીએ ગ્રીષ્માના ગળા પર બે વખત ચક્કુ ફેરવીને ત્રીજી વખત વાર કરીને તેનું ગળું કાપી નાખ્યું હતું. ચાલુ વર્ષમાં ૧૨ ફેબ્રુઆરીના દિવસે સાંજે આરોપી ફેનિલ ગોયાણી પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની સોસાયટી પાસે પહોંચી ગયો હતો. અહીં તેણે ગ્રીષ્માના કાકા અને તેના ભાઈ પર હુમલો કરતા ગ્રીષ્મા તેમને બચાવવા દોડી આવી હતી.
આ પછી તરત જ ફેનિલે ગ્રીષ્માને બાથમાં લઈને તેના ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું. અહીં ઉભેલા લોકોએ ફેનિલને રોકવાની કોશિશ કરી પરંતુ તે એકનો બે નહોતો થયો. પહેલા તે બે વખત ગ્રીષ્માના ગળા પર ઈજા પહોંચાડી અને પછી એક જ ઝાટકે તેનું ગળું ચીરીને હત્યા નીપજાવી દીધી હતી. આ પછી આરોપીએ આપઘાત કરી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. જાેકે, પોલીસે આ કેસમાં તાત્કાલિક પગલા ભરીને તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને તેની સ્થિતિ સારી થતા હોસ્પિટલથી જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.