બિહાર જેવી જ ઘટનાઓ હવે ગુજરાતમાં પણ બની રહી છે જે ખરેખર ચિંતાનો વિષય છે, કારણ કે હાલમાં જ સુરતમાં ખુલ્લેઆમ ધોળા દિવસે એક ટ્રક ડ્રાઇવરનું અપહરણ કરવાની ઘટના બની છે અને જેનો વીડિયો સામે આવ્યો છે. ટ્રક ચાલકે 5થી 6 મહિનાનો પગાર બાકી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સુરતમાં અસામાજિક તત્વો હવે એવા બેફામ બન્યા છે કે જાણે કે હવે કાયદાનો ભય જ નથી રહ્યો.
ઘટનાની વાત કરવામાં આવે તો સુરતમાં ખુલ્લેઆમ કેટલાંક અસામાજિક તત્વોએ ધોળા દિવસે ટ્રક ડ્રાઈવરનું અપહરણ કર્યું. માહિતી મળી રહી છે કે ટ્રક ડ્રાઈવર રાજપીપળાના બોધેલીથી રેતી ભરેલી ટ્રક લઈને આવતો હતો. એ દરમિયાન ડ્રાઈવરને 5થી 6 મહિનાનો પગાર ન મળતા ડ્રાઇવરે રાજપીપળા હાઈ-વે પર ટ્રક અટકાવી દીધી અને બધો ખેલ આદર્યો હતો. આથી વિજય નાગેશ્રી નામના ટ્રક માલિકે અન્ય 2 લોકો સાથે મળીને ડ્રાઈવરનું ધોળા દિવસે અપહરણ કર્યું.
સાથે જ પ્રાપ્ય માહિતી અનુસાર વાત કરવામાં આવે તો અપહરણ કરતી વેળાએ આરોપીઓએ ડ્રાઈવરને માર પણ માર્યો છે. બાદમાં તેને જબરદસ્તીથી ડેકીમાં બેસાડી દીધો હતો. જાણે ગુજરાતમાં પણ હવે બિહાર જેવી સ્થિતિ સર્જાઇ હોય એવું લાગી રહ્યું છે. ગુજરાતમાં પણ અમાનવીય દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ગુજરાતમાં જાણે કે કાયદા-વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી લાગી રહ્યું છે. જો કે હવે CCTV ફૂટેજ સામે આવતા તંત્રએ પણ કામગીરી હાથ ધરી છે અને સઘન તપાસ પણ કરવામાં આવી રહી છે.