રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવીનું રિપોર્ડ કાર્ડ, કેટલું ભણ્યા, શું કામકાજ, રાજનીતિનો ઈતિહાસ, આ વખતે કેટલી લીડથી જીત… જાણો બધું જ

Lok Patrika
Lok Patrika
8 Min Read
Share this Article

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 ની આજે શપથવિધિ યોજાઇ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંતી અમિત શાહ, ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ અને હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટર તેમજ ગોવાના CM પ્રમોદ સાવંત, કર્ણાટકના CM બસવરાજ બોમાઈ, મધ્ય પ્રદેશના અને મહારાષ્ટ્રના CM તેમજ ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામી પણ શપથવિધિમાં હાજર રહ્યા હતા. ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે આજે શપથગ્રહણ કર્યા છે. ભૂપેન્દ્ર પટેલની સાથે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા છે. જોકે હવે આજે સાંજે નવા મંત્રીમંડળના સભ્યોને ખાતાઓની વહેંચણી કરવામાં આવશે. ત્યારે હર્ષ સંઘવીનું નામ પણ રાજ્યકક્ષાના મંત્રીમાં છે. તો આવો જાણીએ હર્ષ સંઘવીનું રિપોર્ટ કાર્ડ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં મજુરા બેઠક પર ભાજપના હર્ષ સંઘવીનો રેકોર્ડ બ્રેક વિજય થયો હતો. તેની સામે ઉભેલા તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. મજુરા બેઠક પર 151771 પુરુષ અને 127187 મહિલા મતદારો તથા 9 અન્ય મળી કુલ 278967 મતદાતાઓ છે. 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આ બેઠક પર 58.07 ટકા મતદાન થયું હતું. હર્ષ સંઘવીને આ વખતે 1,33,335 મત મળ્યા હતા અને 1,31,675 મતથી તેઓ વિજયી બન્યા હતા.

આ વખતે 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં હોય તેવા યુવા નેતા એટલે હર્ષ સંઘવી. અન્ય પણ કેટલાક યુવા નેતાઓ ચર્ચામાં છે – ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયમાં યુવા નેતાની વ્યાખ્યામાં આવે તેવાં ઘણાં નામો છે, તે પૈકી જ એક છે હર્ષ સંઘવી. ભાજપના સૌથી નાની વયે ગૃહખાતાના રાજ્યકક્ષાના મંત્રી બનેલા અને નવ નવ ખાતાં મેળવ્યા પછી મહેસૂલ જેવા તોતિંગ ખાતાનો વધારાનો હવાલો પણ સંભાળનારા મૂળ ડીસાના પણ સુરતમાં વસેલા હીરાના કારખાનેદાર એવા જૈન પરિવારમાં હર્ષ રમેશકુમાર સંઘવીનો જન્મ તારીખ 8 જાન્યુઆરી, 1985ના રોજ થયો હતો.

મતવિસ્તાર સુરત શહેરની મજૂરા બેઠક. વ્યવસાય હીરાનું કારખાનું (ગિરનાર કૉર્પોરેશન), સામાજિક સેવા કરીને 15 વર્ષે જ કાર્યકર બની ગયેલા અને રાજકીય કારકિર્દીમાં ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ બનવાની સ્પર્ધા સુધી પહોંચેલા. વિજય રૂપાણી સહિત સમગ્ર પ્રધાનમંડળ બદલી નાખવામાં આવ્યું અને નવા પ્રધાનોમાં હર્ષ સંઘવીને નાની વયે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી બનાવાયા એટલે સૌનું ધ્યાન ખેંચાયું હતું. પોલીસ પર નિયંત્રણ ધરાવતું ગૃહ ખાતું સત્તાધીશ માટે સત્તાનો ચાબુક ધરાવતું ખાતું મનાય છે એટલે હાઇપ્રોફાઇલ નેતા ત્યાં બેસતા હોય છે. ભાજપમાંથી 37 વર્ષની વયે અમિત શાહને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી બનાવાયા હતા. હર્ષ સંઘવી તેનાથી એક વર્ષ નાની ઉંમરે – 36 વર્ષે જ આ પદે પહોંચ્યા હતા. ગુજરાતમાં જોકે સૌથી નાની વયના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી બનવાનો વિક્રમ નરેશ રાવલના નામે છે.

તેમના પિતા ગંગારામ રાવલ સફળ ધારાસભ્ય રહી ચૂક્યા હતા, પરંતુ નરેશ રાવલને 2012માં વીજાપુરની ટિકિટ ના મળી ત્યારે નારાજગી દર્શાવી હતી. તે વખતે નરહરિ અમીન સાથે ભાજપમાં જશે એવું લાગ્યું હતું, પણ એક દાયકા પછી હાલમાં જ ભાજપમાં જોડાયા છે. નરેશ રાવલ પિતાના કારણે યુવા વયે ગૃહરાજ્ય મંત્રી બન્યા, પણ તે પછી આજે હવે રાજકીય કારકિર્દી માટે પક્ષપલટો કરવો પડ્યો છે. એવો કોઈ રાજકીય વારસો હર્ષ સંઘવી પાસે નહોતો. પિતા હીરાનું કારખાનું ચલાવતા હતા, પણ સંજોગોવશાત્ તેમણે ચાર બહેનો વચ્ચે એક જ ભાઈ હર્ષને કારખાને બેસવા માટે કહેવું પડ્યું હતું.

હર્ષનાં માતાની બીમારીને કારણે પિતાએ તેમની સાથે મુંબઈ રહેવું પડ્યું હતું એટલે કારખાનું સંભાળવા આઠમા ધોરણમાંથી હર્ષ સંઘવીએ ભણવાનું છોડવું પડ્યું હતું એવું કારણ આપવામાં આવે છે. પરંતુ આઠમા ધોરણથી શાળામાંથી ઊઠી ગયેલા યુવા નેતા પ્રધાન બની ગયા તે હેડલાઇનમાં ચમકેલી માહિતી હતી. બધા જ પ્રધાનો નવા લેવાયા એટલે ઓછું ભણેલા, ઓછા અનુભવી તેમાં હોય તે સ્વાભાવિક છે, પરંતુ થોડા જ મહિનામાં સ્પષ્ટ થઈ ગયું હતું કે સૌથી જુનિયર, સૌથી ઓછું ભણેલા, સૌથી ઓછા અનુભવી હર્ષ સંઘવી સરકારમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે. સુરતના જ હોવાથી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની નિકટ મનાય છે. તેમના વિશ્વાસુ હોવાના કારણે જ રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલખાતું લઈ લેવાયું ત્યારે તેનો હવાલો અન્ય કોઈ સિનિયર નેતા નહીં, પરંતુ હર્ષ સંઘવીને જ સોંપવામાં આવેલો. આ દર્શાવે છે કે નાની ઉંમર છતાં હર્ષ સંઘવી બહુ થોડા વખતમાં પાકટ થઈને મોવડીમંડળનો વિશ્વાસ મેળવી શક્યા છે.

ઉંમર નાની હશે, પણ ધારાસભ્ય તરીકે બીજી ટર્મ છે એટલે જાહેરજીવનનો અનુભવ હોય. સીમાંકન પછી 2012માં સુરતમાં નવી બેઠક બની હતી મજૂરા. આ મજૂરામાં માત્ર 27 વર્ષના હર્ષ સંઘવીને ભાજપની ટિકિટ મળી અને જીતી ગયા. 2017માં બીજી વાર જીત મળી અને 2020માં સુરતના જ સી. આર. પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા તેનો ફાયદો એ થયો કે 2021માં રૂપાણી પ્રધાનમંડળને રવાના કરવામાં આવ્યું ત્યારે યુવા પણ આશાસ્પદ નેતા તરીકે સંઘવીને સ્થાન મળી ગયું. નાની ઉંમર છતાં રાજકીય રીતે હર્ષની કારકિર્દી લાંબી ગણાવી શકાય, કેમ કે તેમણે માત્ર 15 વર્ષની ઉંમરે જ સામાજિક સેવા શરૂ કરી દીધી હતી. આઠમા ધોરણથી ભણવાનું મૂકી દીધા બાદ કારખાનું સંભાળવા સાથે જાહેરજીવનમાં તેમને રસ પડવા લાગ્યો હતો.

સુરતના જાણકારો કહે છે કે સંઘના સ્વંયસેવક જયદીપ ત્રિવેદી સાથે તેમને પરિચય થયો અને તેના કારણે રાજકારણમાં રસ પડ્યો. 2003-04માં ડાંગમાં ભાજપ-સંઘે શબરી કુંભનું આયોજન કર્યું હતું. તે વખતે મીડિયા સંકલનની જવાબદારી મળી અને આગળ જતાં ગૌ-ગંગા યાત્રા વખતે પણ સુરત મીડિયા કન્વીનર તરીકે કામ કર્યું. ભાજપ દ્વારા ભારત સુરક્ષા યાત્રા યોજાઈ ત્યારે ગુજરાતમાંથી પ્રદીપસિંહ વાઘેલા સાથે તેઓ કાર્યક્રર તરીકે ગયા હતા. વર્ષ 2010માં પ્રદીપસિંહ વાઘેલા યુવા મોરચાના પ્રમુખ બન્યા ત્યારે તેમણે પોતાની ટીમમાં હર્ષ સંઘવીને પ્રદેશ મહામંત્રી બનાવ્યા હતા. યુવા મોરચાના પ્રભારી તરીકે સી.આર. પાટીલ હતા એટલે તેમની સાથે પણ કામ કરવાની તક મળી, જે આજે ફળી છે. 2011માં શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ફરકાવા માટે ભાજપ યુવા મોરચાની ઝુંબેશ હતી ત્યારે પ્રદીપસિંહ વાઘેલા સાથે લાલ ચોક સુધી પહોંચ્યા હતા. લાલ ચોકમાં કાર્યક્રમની મનાઈ હતી, છતાં યુવા કાર્યકરો પહોંચેલા અને પોલીસની લાઠીઓ ખાધેલી.

રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી અચાનક મહેસૂલ મંત્રાલય લઈ લેવાયું ત્યારે તેનો હવાલો હર્ષ સંઘવીને મળ્યો તેના કારણે ફરી એક વાર પાટીલના તેઓ કેટલા વિશ્વાસુ છે તે સ્પષ્ટ થઈ ગયું. પાટીલે સમગ્ર ગુજરાતમાં જવાબદારી સંભાળવાની છે, પણ સુરતમાં જ આમ આદમી પાર્ટી 27 નગરસેવકોને જિતાડીને ચર્ચામાં આવી ગઈ છે ત્યાં હર્ષ સંઘવીએ પણ જવાબદારી લેવાની છે. બીજું કમલમમાંથી સરકાર ચાલે છે અને પોલીસ તથા મહેસૂલ ખાતાના અધિકારીઓ સચિવાલયને બદલે ત્યાં વધારે દેખાય છે તેવી ટીકાઓ વચ્ચેય હર્ષ સંઘવી સી. આર. પાટીલના વિશ્વાસ સાથે કામગીરી કરી રહ્યા છે. મંત્રાલયો મળ્યા પછી તેમણે કામગીરી કરીને પણ સૌનું ધ્યાન ખેચ્યું હતું તેની પણ નોંધ લેવી પડે. ખાસ કરીને ગુજરાતમાંથી જંગી પ્રમાણમાં ડ્રગ્ઝ પકડાવા લાગ્યું છે તે કામગીરી પર હર્ષ સંઘવી અંગત ધ્યાન આપે છે તેવી છાપ પડી છે. ગુજરાત વર્ષોથી ડ્રગ્ઝની હેરફેરનો રૂટ રહ્યો છે, પણ મોટાં શહેરોમાં ડ્રગ્ઝનું દૂષણ પણ થોડું વધી રહ્યું છે ત્યારે સતત દરોડા દ્વારા કામગીરી બતાવવાનો સંઘવીએ પ્રયત્ન કર્યો છે. તેની સામે બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે છાપ ખરડાઈ પણ હતી. પોલીસની ભાગીદારીથી દેશી દારૂના અડ્ડા ધમધમે છે તેવી ફરિયાદો સરપંચ સહિતના લોકોએ વારંવાર કરી છતાં કામગીરી ના થઈ. દારૂમાં કેમિકલ ભેળવાયું અને 70થી વધુ લોકોનાં મોત થઈ ગયાં.


Share this Article