રાજ્યમાં ચૂંટણી પહેલા જ નિવેદનોને લઈને આમાં આદમી પાર્ટી અને ભાજપ સામસામે આવી ગયાં છે. આ નિવેદનોના પ્રહારો ફરી એકવાર સુરત ટ્રાફિક પોલીસ એપ લોન્ચિંગ સમયે શરૂ થયા હતા. હર્ષ સંઘવી દ્વારા સુરત ટ્રાફિક પોલીસ નામથી બનાવાયેલ ટ્રાફિક એપ લોન્ચ કરાઈ છે જે કોઈ વિસ્તારમાં ટ્રાફિક જામ હોય, પાર્કિંગ, રોંગ સાઈડ, બ્લેક ફિલ્મ તેમજ ગંભીર અકસ્માતની માહિતી આપી શકાશે. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે કેટલાક લોકો ગુજરાતને બદનામ કરવાના કામમાં લાગ્યા છે. દેશ બહારના લોકો પણ ભરમાવવા કામ કરતા હોય છે.
તેમણે પ્રહાર કરતા આગળ કહ્યું હતું કે પાંચ વર્ષમાં કોઇ દેખાયા નથી. હવે જયારે ચૂંટણી આવે એટલે આવા લોકો આવી જાય છે. તેમને અચાનક જ ગુજરાતની ચિંતા થવા લાગે છે. 1 જાન્યુઆરી પછી એક દેખાવાના નથી અને કોરોના કાળમાં લોકોને જ્યારે જરૂર હતી ત્યારે પણ આ બધા ગાયબ હતા.
આગળ વાત કરતા તેમણે કહ્યું કે જે લોકો મને ડ્રગ્સ સંઘવી કહે છે તેમને મારે કહેવું છે કે હા હું ડ્રગ્સ પકડનાર સંઘવી છું. ગુજરાત પોલીસ દેશભરમાંથી ડ્રગ્સના નેટવર્ક ખુલ્લા પાડી રહી છે. પોલીસે પંજાબ અને દિલ્લી પોલીસ સાથે મળી મોટા એપરેશન પાર પાડ્યા છે અને આ લડાઈ આગામી સમયમાં પણ ચાલુ રહેશે. ડ્રગ્સ નેટવર્ક તોડ્યું એટલે કેટલાકના પેટમાં દુઃખે છે.
આ સાથે ડ્રગ મામલે ગુજરાતને ધેરતા લોકો પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને અટકાવવા ગુજરાત પોલીસે સુરક્ષા એજન્સીઑના સહકારથી કામ ચાલી રહ્યુ છે. છેલ્લા એક વર્ષમાં જ આશરે 6500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. બીજી તરફ જે નેતાઑ ડ્રગ્સ મામલે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવે છે ત્યારે ડ્રગ્સના દૂષણ સામે પક્ષ-વિપક્ષે એક થઈને જવાબદારી નિભાવવી જોઇએ.