ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસમાં કોરોનાના કારણે મુસાફરોમાં ઘટ વર્તાઈ રહી છે. એક સમયે હાઉસફૂલ જઈ રહેલી ફેરી સર્વિસમાં હાલ ૫૦ ટકા કરતા પણ ઓછા મુસાફરો લાભ લઇ રહ્યા છે. પરંતુ હાલ ફેરી સર્વિસમાં કાર્ગો પરિવહન યથાવત જાેવા મળી રહ્યું છે. જેના કારણે ઓછા મુસાફરો મળવા છતાં ફેરી સર્વિસ હાલ તો રાબેતા મુજબ ચાલી રહી છે. પરંતુ જાે આમ જ ચાલતું રહેશે તો કદાચ ફેરી સર્વિસને ફરી બંધ કરવાનો વારો આવી શકે છે.
ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રને નજીક લાવવા તેમજ સુરત અને ભાવનગરને દરિયાઈ માર્ગે જાેડવા માટે ખૂબ જ મહત્વની પુરવાર થયેલો તેમજ વડાપ્રધાનના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ રોરો ફેરી સર્વિસ ૮ નવેમ્બર, ૨૦૨૦ ના રોજ પ્રધાનમંત્રી મોદીએ લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો, જેને શરૂ કર્યા બાદ ખૂબ જ સફળ રહ્યો હતો. આ સેવાને ખૂબ સારો એવો ટ્રાફિક મળી રહ્યો હતો, તેમજ આ સેવા ટ્રાન્સપોર્ટ માટે મહત્વની બની રહી છે. પરંતુ છેલ્લા એક માસ કરતા વધારે સમયથી કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાં રો રો ફેરી સર્વિસમાં મુસાફરોની ઘટ જાેવા મળી રહી છે.
શરૂ થયા બાદ હાઉસફુલ જઈ રહેલી ફેરીમાં હાલ ૫૦ ટકા કરતા પણ ઓછો ટ્રાફિક જાેવા મળી રહ્યો છે. ફેરીને ચાલુ રાખવા પાછળ થઈ રહેલો ડીઝલનો ખર્ચ કાર્ગો ચાલુ રહેવાના કારણે સરભર થઈ રહે છે, પરંતુ કર્મચારીઓના પગાર કાઢવા મુશ્કેલ બન્યા છે. જાે આમ ને આમ જ ચાલતું રહે તો ફેરી સર્વિસને ફરી બંધ કરવી પડે તો નવાઈ નહિ. રોપેક્ષ ફેરી સંચાલકો દ્વારા કોરોના મહામારીને લઈને પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ફેરી ઉપડતા પહેલા અને પછી બંને સમયે સંપૂર્ણ જહાજને સાફ સફાઈ અને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે.
તેમજ તમામ મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સૂચનાઓ આપવામાં આવી રહી છે. તેમજ તમામ મુસાફરોનું ટેમ્પરેચર માપી બાદ જ ફેરીમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેના કારણે આજ સુધી રોપેક્ષ ફેરી સર્વિસનો એક પણ કર્મચારી સંક્રમિત જાેવા નથી મળ્યો. ઘોઘા ટર્મિનલના મેનેજર વિક્રમ ભારદ્વાજ કહે છે કે, ઘોઘા હજીરા ફેરી સર્વિસનો લાભ લઇ રહેલા મુસાફરો માટે આ ફેરી ફાયદા રૂપ અને સુરક્ષિત છે.