ભાસ્કર વૈદ્ય (સોમનાથ)
ભારત અને વિશ્વના યુગાવતાર સ્વામિ વિવેકાનંદની તારીખ 12 જાન્યુઆરીએ એટલે કે આજે 159 જન્મજયંતિ ઉજવાઈ રહી છે. ત્યારે એ પણ જાણવું આપણાં માટે જરૂરી છે કે શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં જતાં પહેલાં તેઓએ સમગ્ર ભારત ભ્રમણ કર્યુ હતું.
જે અંતર્ગત ઈ.સ.1891માં સ્વામિ વિવેકાનંદ સોમનાથ આવ્યા હતા. તે સમયે સોમનાથ મંદિર જીર્ણ અને આક્રમણથી ખંડિત હતું. આ ખંડિત સોમનાથનું દ્રશ્ય જોતાં તેઓનું હૃદય દ્રવી ઉઠયું અને સમુદ્ર તટના ભગ્નાવિશેષ મંદિર પાસેની એક શિલા ઉપર બેસી તેઓએ ભારતમાં ફરી પાછો સોનેરી યુગ આવે તેવી ઇરછા સેવી હતી.
ત્યારે વિવેકાનંદને પ્રતીત થયું કે સોમનાથ દેશનું પ્રાણ કેન્દ્ર છે અને તેનું પુનઃ નિર્માણ થવું જોઈએ. સોમનાથ મંદિર ઉપર આટલા આક્રમણો થયા પછી પણ વારંવાર થતું તેનું નવું સર્જન એ લોકોની રાષ્ટ્રભાવના અને ધર્મભાવના બતાવે છે.
ત્યારબાદ વિવેકાનંદે મદ્રાસ ખાતે એક પ્રવચનમાં પણ જણાવ્યું હતું કે સોમનાથ અને દક્ષિણના મંદિર આપણને જ્ઞાન આપે છે, જે જ્ઞાન હજારો પુસ્તકો વાંચવાથી પણ ન મળે. તે આપણને આંતર દ્રષ્ટિ આપે છે. ત્યારે વિવેકાનંદે સોમનાથ સમીપ ભવ્ય ભારત બને તેમજ તેમનું નવ નિર્માણ કરવાનું સપનું સેવ્યું જે આજે સાચું થયું અને ઈતિહાસ અંકિત થયો.