મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આદિવાસી જમવાનું ખાઈને આંગળા ચાટતા રહી ગયાં, કહ્યું- અહીં તો વારંવાર આવવા જેવું છે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News: વિશ્વ આદિવાસી દિવસ (World Tribal Day)ની રાજ્ય કક્ષાની ઉજવણી અને “મારી માટી મારો દેશ” અભિયાનમાં સહભાગી થવા વનબંધુ વિસ્તાર તાપી જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ (Bhupendra Patel)ની આગવી સરળતા, સહજ મૃદુ સ્વભાવની અનુભૂતિ આદિજાતિ પરિવારોને થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ આ કાર્યક્રમ પૂર્ણ કરી બપોરનું ભોજન લેવા સોનગઢ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આદિજાતિ મહિલા લાભાર્થી સોનલ બહેન પવારનાં ઘરે ગયા હતા.
મુખ્યમંત્રીએ સોનલ બહેનના નિવાસે જમીન પર બેસીને તાપી જિલ્લાના અસ્સલ આદિવાસી ભોજનનો આ સ્વાદ માણ્યો હતો. સોનલ બહેને મુખ્યમંત્ર માટે આદિજાતિ ભોજન થાળીમાં જાડાધાન મિલેટ્સની વનગીઓ ભાવથી પિરસી હતી. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે પણ આ આદિવાસી ભોજનની પ્રશંસા કરતાં કહ્યું કે, સ્વાદિષ્ટ ભોજનથી પેટ ભરાઈ ગયું પણ મન ભરાયું નથી.
આવા અતિ સ્વાદિષ્ટ અને જાડાધાનની વાનગીઓ વાળા જમણનો સ્વાદ માણવા હંમેશા તાપી આવવું પડશે એવો અહોભાવ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ આદિજાતિ લાભાર્થી સોનલ બહેને PMAYમાં મળેલા આવાસને પોતાની બચતમાંથી સજાવ્યું છે તે અંગેની વિગતો પણ સોનલ બહેન અને પરિવારજનો સાથેની વાતચીતથી જાણી હતી.
મુખ્યમંત્રીએ ભોજનમાં નાગલીનો રોટલો, ચોખાના બાફેલા રોટલા, જુવારનો રોટલો, દેશી કંકોડાનું શાક, દેશી તુવેરની દાળ, અડદની છોડાવાળી દાળ અને તાપી જિલ્લાના પ્રખ્યાત દેશી લાલ ચોખાનો ભાત, નાગલીનાં પાપડ, છાશ અને શેકેલા લીલા મરચાં આરોગ્યા હતા.મુખ્યમંત્રીની આવી નિખાલસતા, મૃદુતા અને આદિજાતિ પરિવાર સાથે જમીન પર બેસીને ભોજન લેવાની સરળતા સૌને સ્પર્શી ગઈ હતી.

Share this Article