રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે જામનગર જિલ્લામાં લમ્પી વાયરસની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે મુલાકાત કરી છે. મહાનગપાલિકા દ્વારા શહેરના ગોલ્ડન સીટી પાછળ, સોનલનગર ખાતે જે લમ્પી વાયરસ સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે તેની મુલાકાત લઈ ભુપેન્દ્ર પટેલે પશુઓની સારવાર માટે ઊભા કરવામાં આવેલી તમામ પ્રકારની સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું, સાથે જ લગતા અધિકારીઓ તેમજ પશુપાલન વિભાગને જરૂરી સૂચનો કરી પશુઓની યોગ્ય રીતે કાળજી લેવા જણાવ્યું હતું. પરંતુ એ જ સમયે એક અઘટિત ઘટના બની હતી જેની હાલમાં સમગ્ર રાજ્યમાં ચર્ચા કરવામાં આવી રહી છે.
વિગતો મળી રહી છે કે આ દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે દિગુભા જાડેજા પોતાના શરીર કેરોસિન પણ છાંટ્યું હતું. પરંતુ નસીબ સારા કે આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી. લોકોનાં ટોળે ટોળાં પણ એકઠા થઈ ગયાં હતાં. વાત એવી છે કે જ્યારે કલેક્ટર કચેરીના બીજા માળે મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરની બેઠક ચાલી રહી હતી ત્યારે જ જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આવું કારનામું કર્યું હતું.
દિગુભા પોતાની કાર લઇને કચેરીએ આવ્યા. પછી તેમની સાથે કોંગ્રેસના મહામંત્રી પણ હાજર હતા. ત્યારે દિગુભા જાડેજાએ કેરોસિનનું ડબલુ પોતાના શરીરે છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ભારે હોબાળો થતાં પોલીસે બંનેની અટકાયત કરી છે. જોકે, મુંખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરની બેઠક હજુ ચાલુ છે.