આંતરધર્મીય લગ્ન કરનારા કપલને પાલીતાણા પોલીસના ઈન્સ્પેક્ટર પકડીને લઈ આવ્યા હતા અને બંનેને વિખૂટા પાડ્યા હતા. આ કપલે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવા અરજી આપી હતી તેમ છતાં પોલીસે આ પગલું ભરતાં ગુજરાત હાઈકોર્ટે જવાબ માગ્યો છે. શુક્રવાર સુધીમાં જવાબ આપવાનો આદેશ કરવાની સાથે કોર્ટે સૂચના આપી છે કે, ઈન્સ્પેક્ટરની એફિડેવિટની ચકાસણી ભાવનગર જિલ્લાના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ દ્વારા કરવામાં આવે. પોલીસ પર યુવતીને તેના પ્રેમથી જબરદસ્તી અલગ કરીને તેના માતાપિતાના ઘરે મોકલી આપવામાં આવી હોવાનો આરોપ છે.
ત્યારે ગુજરાત હાઈકોર્ટે એસપીને આદેશ આપ્યો છે કે, યુવતીને શુક્રવારે બપોરે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુનાવણીમાં હાજર રાખવામાં આવે. યુવકના પિતાએ આ કપલને પોલીસ કસ્ટડીમાંથી છોડાવવા માટે પિટિશન દાખલ કરી છે. અરજીકર્તાના વકીલ લક્ષા ભવનાનીના જણાવ્યા અનુસાર, આ કપલ બે મહિના પહેલા ભાગી ગયું હતું. જેથી પાલીતાણામાં લવ જિહાદનો મુદ્દો પકડીને ભારે હોબાળો થયો હતો. યુવતીના પિતાએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ કપલ લગ્નની નોંધણી કરાવવા માટે અરજી કરી હતી. ત્યારે મેરેજ રજિસ્ટ્રારની ઓફિસમાંથી તેમના મેરેજ રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને ભાગરૂપે જાહેર નોટિસ આપવામાં આવી ત્યારે લોકોને જાણ થઈ કે કપલ ભાવનગરમાં છે. બાદમાં આ કપલ અમદાવાદ આવી ગયું હતું અને સંતાઈને રહેતું હતું. બીજી તરફ પોલીસે યુવકના પિતા અને બે ભાઈઓની અટકાયત કરી હતી અને થોડા દિવસ માટે રાખ્યા હતા, તેમ તેણીએ કોર્ટમાં જણાવ્યું. મેરેજ રજિસ્ટ્રેશનની ફાઈનલ તારીખ ૩ ફેબ્રુઆરી હતી પરંતુ પાલીતાણા પોલીસે કપલને શોધીને પકડી પાડ્યું હતું.
જ્યારે યુવકના પિતાને ખબર પડી કે, પોલીસે કપલને ઝડપી લીધું છે ત્યારે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી હતી. તેમણે અરજીમાં દીકરા અને તેની ગર્લફ્રેન્ડ જેની સાથે તે લગ્ન કરવા માગે છે તેને છોડી દેવાની માગ કરી હતી. પોલીસ ઈન્સ્પેક્ટરને પિટિશન અંગેની જાણકારી થતાં જ તેમણે કપલને છોડી દીધું હતું પરંતુ બંનેને પોતપોતાના ઘરે ઉતાર્યા હતા.
અરજીકર્તાએ ફરિયાદ કરીને પોલીસે જબરદસ્તીથી યુવતીને તેના માતાપિતાના ઘરે મોકલી આપી અને આ દરમિયાન મેરેજ રજિસ્ટ્રેશનનો સમય તેઓ ચૂકી ગયા. મંગળવારે થયેલી સુનાવણીમાં જજે સરકારી વકીલને પોલીસ ઈન્સ્પેક્ટરની એફિડેવિટ સબમિટ કરવાનું કહ્યું હતું. જેમાં પોલીસ ઈન્સ્પેક્ટરે કપલની શા માટે અટકાયત કરી અને પછી તેમને છૂટા કેમ પાડ્યા તેનું કારણ જણાવવાનું છે. જજે ટિપ્પણી કરતાં કહ્યું કે, આ કાર્યવાહી બદલ કોર્ટ ઈન્સ્પેક્ટર સામે સુઓ મોટો પણ કરી શકે છે.