માઉન્ટ આબુ (ભવર મીણા દ્ધારા): ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં રવિવારે ‘કુલ સન્ડે’ બન્યો છે. અહીં ઠંડીનો પારો માઈનસ 2 ડીગ્રીએ પહોંચતા પ્રવાસીઓ ઠુઠવાઈ ગયા છે. જ્યારે અનેક પ્રવાસીઓ કાંતિલ ઠંડીની મોજ માણી રહ્યા છે. માઈનસ બે ડીગ્રી તાપમાનથી માઉન્ટ આબુમાં પાણીમાં તેમજ વાહનો ઉપર બરફની થર જામી ગઈ છે. તો બીજી બાજુ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગે કોલ્ડવેવની આગાહી કરી છે.
ગુજરાતમાં અનેક સ્થળે આગામી 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ચાર ડીગ્રી સુધી ગગડતાં ઠંડીનું મોજું ફરી વળશે. હવામાન વિભાગની જણાવ્યા મુજબ આગામી 3 દિવસમાં ઠંડી 4 ડીગ્રી વધતાં ડીસી સહિત ઉતર ગુજરાતમાં ઠંડીનો પારો 10 ડીગ્રીની આસપાસ આવી જશે. તા.12 જાન્યુઆરી બાદ ઠંડી 2થી 3 ડીગ્રી ઘટશે. આગામી તા.16 અને 17મી જાન્યુઆરીના રોજ કમોસમી વરસાદ થવાની શક્યતા છે.
કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે શીતલહેર થી દિવસ ભર લોકો ગરમ વસ્ત્રોમાં વીંટળાયેલા જોવા મળ્યા હતા. જોકે રવિવારે વાતાવરણ ખુલ્લું થઈ ગયા બાદ હવામાન વિભાગની આગાહી સાચી ઠરી હોય તેમ કોલ્ડ વેવની સ્થિતિ સર્જાતા લોકોએ હાડ થીજવતી ઠંડીનો અનુભવ કર્યો હતો.
જ્યારે હિલ સ્ટેશન માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો માઉન્ટ આબુનું લઘુતમ તાપમાન ગગડીને માઇનસ તરફ વળી જતા ખુલ્લામાં પડેલા વાહનો બાગ બગીચા અને પાણીના પાત્રોમાં બરફ બાજી ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે , પર્વતીય પર્યટક સ્થળ માઉન્ટ આબુ સહિત ગુજરાતભરમાં ગુલાબી ઠંડી એ પોતાનો અસલ મિજાજ બતાવવાનું શરૂ કરતાં લોકો ઠંડીથી રક્ષણ મેળવવા તાપણા અને ગરમ વસ્ત્રો તેમજ ગરમ પીણાંનો આશરો લઈ રહ્યા છે.