‘જમીન ડેમ માટે અપાઈ હતી, પર્યટન માટે નહીં’ – સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના 6 ગામો આજે પણ ચોધાર આંસુએ રડી રહ્યા છે

Lok Patrika
Lok Patrika
4 Min Read
Share this Article

સ્ટેચ્યુ ઓફ યુનિટીની કિંમત કેટલી હતી? જો તમે આ પ્રશ્નનો જવાબ ગુગલ પર સર્ચ કરશો તો જવાબ મળશે ₹2,989 કરોડ, પરંતુ પ્રતિમાની બાજુમાં આવેલા છ આદિવાસી ગામો માટે તે કિંમત છે- તેમની રોજી રોટી. ગુજરાત ચૂંટણી 2022 પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકના આદિવાસી ગામોમાથી ચોંકાવનારી વાતો સામે આવી છે. ગુજરાતનું ગૌરવ ગણાતી પ્રતિમાની નજીક રહેતા લોકોનું જીવન અંધકારમય બની ગયું છે.

કેવડિયા, વાઘડિયા, લીમડી, નવાગામ, ગોરા, કોઠીના આ 6 ગામોના લોકો નર્મદા ડેમ માટે 1961-62માં તેમની પાસેથી લીધેલી 927 એકર જમીન પરત મેળવવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) સામે વિરોધ કરી રહ્યા છે. SSNNL એ ગુજરાત સરકારની માલિકીની પબ્લિક લિમિટેડ કંપની છે અને તે સરદાર સરોવર પ્રોજેક્ટના સંચાલનની દેખરેખ રાખે છે.

31 ઓક્ટોબર, 2013ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હોવા છતાં તેનો શિલાન્યાસ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ 182 મીટર ઊંચી છે, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તે 2,989 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. અહીના શકુંતલના બેન તડવી કહે છે કે  અમારી પાસે 30-35 એકર જમીન હતી. અમે જુવાર, બાજરી ઉગાડતા અને ખાતા. અમારી પાસે ગાય, ભેંસ અને અન્ય ઢોર હતા. હવે અમારે બીજી નોકરીઓ શોધવી પડશે અને અમે મજૂર બની ગયા છીએ.

આગળ વાત કરતા તેમણે જણાવ્યુ કે આજે અમારી એક જમીન પર હવે હોટલ છે. બીજી બાજુ રોડ બનાવવામાં આવ્યો હતો. તે માટે અમને કોઈ વળતર મળ્યું નથી. અમારી જમીન પર વાડ કરવામાં આવી છે. તેઓ કાયદાકીય લડાઈ દરમિયાન અમારી પાસે દસ્તાવેજી પુરાવા માંગે છે, પરંતુ અમારા વડવાઓ પાસે કોઈ દસ્તાવેજ નહોતા

કોળી ગામનો રહેવાસી આશિષ તડવી પોતાની સ્થિતિ અંહે વાત કરતા કહે છે કે વર્ષ 2018માં જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બાંધકામ શરૂ થયું ત્યારે મને ખૂબ આનંદ થયો કે મારા ગામની આસપાસ વિકાસ થશે. અમે સરદાર સરોબર નર્મદા પ્રોજેક્ટ માટે જમીન પણ આપી હતી. હું ખુશ હતો કે જમીન આપવાથી ગુજરાતની સાથે આસપાસના રાજ્યોનો પણ વિકાસ થશે. પરંતુ હવે અમારી જમીન પ્રવાસન માટે લેવામાં આવી રહી છે જે યોગ્ય નથી.

સરકાર વિરોધીઓ સાથે વાટાઘાટો કરી રહી છે અને વિસ્થાપન માટે વળતર ઓફર કરી રહી છે. 2020માં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવેલી અરજીના જવાબમાં, SSNNL એ આ 6 ગામોના લોકોને વળતર વિશે જાણ કરી અને તેને જાહેર કરી.

*વિસ્થાપન વળતરના મુખ્ય મુદ્દાઓ છે-

-નવેમ્બર 1989ના રોજ 18 વર્ષના થયેલા પુરૂષ વારસદારોને બે હેક્ટર અથવા લીધેલી જમીનના સમકક્ષ જમીન બેમાંથી જે વધુ હોય તે આપવામાં આવશે.

-પશુપાલન માટે 250 ચોરસ ફૂટ જમીન આપવામાં આવશે.

-નવું મકાન બનાવવા માટે રૂ. 4 લાખ આપવામાં આવશે, જેમાંથી SSNNL 2.5 લાખ અને ગુજરાત સરકાર 1.5 લાખ આપશે.

-ગોરા ગામમાં બની રહેલા ‘આદર્શ વસાહત’માં 1000 પરિવારોને વસાવવામાં આવશે.

-સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના શોપિંગ કોમ્પ્લેક્સમાં દુકાનો આપવામાં આવશે, જેમાં વળતરની પ્રારંભિક યાદીમાં સામેલ ન હોય તેવા લોકોને પણ લાભ મળશે. જોકે વળતર પેકેજની ઘણી બાબતો ગ્રામજનોને સ્વીકાર્ય નથી.

રાજેન્દ્ર તડવી વ્યવસાયે ગ્રાફિક્સ ડિઝાઇનર છે અને MNCમાં કામ કરે છે, પરંતુ તેમણે આંદોલનકારીઓને મદદ કરવા માટે નોકરીની સાથે એલએલબીનો અભ્યાસ કર્યો છે. તેણે આશિષ સાથે મળીને ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિરુદ્ધ અરજી કરી છે. તેમનો આરોપ છે કે અહીં આદિવાસીઓ સંબંધિત કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. રાજેન્દ્ર તડવી, સામાજિક કાર્યકર છે. અહીં આદિવાસીઓના વિશેષ અધિકારોનું હનન થઈ રહ્યું છે. સરકાર અને સરદાર સરોબર કોર્પોરેશન આદિવાસીઓને લગતા કાયદાઓને બાયપાસ કરીને અહીં પ્રોજેક્ટ લાવી રહી છે.

60ના દાયકામાં આ વિસ્તારના આદિવાસીઓ પાસેથી નર્મદા પરના ડેમ માટે જમીન લેવામાં આવી હતી. અત્યાર સુધી આ જમીનો પર કશું જ બનાવવામાં આવ્યું નથી પરંતુ 2013માં સ્ટેચ્યુ ઓફ યુનિટીની યોજના આવી અને હવે તેને પ્રવાસન માટે વિકસાવવામાં આવી રહી છે. આદિવાસીઓની મૂળભૂત માંગ છે કે ડેમ માટે જમીન લેવી એ ઠીક છે, પરંતુ પ્રવાસન માટે તેમની આજીવિકા છીનવી લેવી યોગ્ય નથી.


Share this Article