વડોદરામાં 19 દિવસ પહેલા એક પરિવાર અચાનક ગુમ થઈ ગયો હોવાના સમાચાર આવ્યા હતા. આ પરિવાર ડભોઈ રોડ પર આવેલા કપુરાઈ ચાર રસ્તા પાસે કાન્હા આઇકોનમાં રહેતો હતો. પરિવારના મોભી પોતે શિક્ષક છે. 11 પાનાની ચિટ્ઠી લખીને ગાયબ થઈ ગયેલો આ પરિવાર આજે અચાનક પરત ફરી આવ્યો હોવાના સમાચાર છે.
પરિવાર ગાયબ થયાના સમાચાર બાદ સંબંધીઓ અને પોલીસે તેમને શોધ શરૂ કરી હતી. પોલીસને આ દરમિયાન જોશી પરિવારના ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. હવે જોશી પરિવારના પરત થયાના સમાચાર બાદ પોલીસે પરિવારની પૂછપરછ શરૂ કરી છે જેમાં નવા ખુલાસાઓ થવાની શક્યતા છે. જો કે આ અગાઉ જ શિક્ષક દંપતિનું આ મુદ્દે એક નિવેદન સામે આવ્યું છે.
શિક્ષક દંપતિએ ગાયબ થતા વેળાની વાત કરતા કહ્યુ છે કે અમે આત્મહત્યા કરવાના ઇરાદે હતા પણ સંતાનોએ રોકી લીધા અનેસમજાવીને પાછા લાવ્યા છે. અમે સોશિયલ મીડિયામાં પોસ્ટ જોઈ તે જોઈને પરત ફરવાનું નક્કી કર્યું. આ સાથે 19 દિવસ ગાય્બ રહ્યા તે દિવસોની વાત કરતા તેમણે કહ્યુ કે દિલ્હીમાં અમે ફૂટપાથ પર રહેતા હતા અને ભીખ માંગીને ખાતા હતા. ગૂમ થયેલા પરિવારે જતી વેળાએ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે ‘અમારા મોત માટે નિરવ ભૂવા, રાહુલ ભૂવા, બિટ્ટુભાઇ અને અલ્પેશ મેવાડા જવાબદાર છે’
આ બધુ કરવા પાછળના કારણ અંગે વાત કરતા શિક્ષકે કહ્યુ કે લોન અપાવવામાં અમારી સાથે બહુ મોટું ફ્રોડ થયું છે. જોષી દંપતિએ અલ્પેશ મેવાડાને જવાબદાર ઠેરવ્યું હતું. જોશીએ પોતાનો ફ્લેટ ગીરવે મૂકીને હોટલ શરૂ કરવા માટે રૂ. 29 લાખની લોન લીધી હતી. પરંતુ ધંધો ચાલુ ન થયો અને તેને લોન ચૂકવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવાનુ આ અગાઉ સામે આવ્યુ હતુ.