મોરબીનો પીપળી રોડ કરોડો રૂપિયાના ખર્ચે વર્ષ ૨૦૧૮ માં બનાવવામાં આવ્યો હતો. જાે કે આજની તારીખે આ રસ્તા ઉપર અનેક જગ્યાએ મસમોટા ગાબડા પડી ગયા છે અને ડામર તુટી ગયો છે અને રસ્તો ભાંગીને ભૂકો થઇ ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. એટલું જ નહિ, રોડ ઉપર ધૂળની ડમરીઓ સતત ઊડતી હોય છે અને ટ્રક, ડમ્પર, કન્ટેનર સહિતના ભારે વાહનો પસાર થવાથી નાના વાહન ચાલકોને અતિ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમ છતાં પણ ઠેર ઠેર ગાબડા પડી ગયેલા પીપળી રોડને રીપેર કરવામાં આવતો નથી. જેથી વાહન ચાલકો સહિતના લોકો હેરાન થાય છે.
રાજ્યના સ્ટેટ હાઇવે મોરબી પિપળી રોડનો સમાવેશ થાય છે અને આ રસ્તાનું કામ વર્ષ ૨૦૧૮ માં કામ કરવામાં આવ્યું હતું. આ રોડ જે તે સમયે ૨૯ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને રસ્તાનું કામ ગોકળ ગતિએ કરવામાં આવી રહ્યું હતું. માટે લોકોને ત્રણેક વર્ષ સુધી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને સારો રોડ બનશે તેવી દરેકને આશા હતી. જાે કે, છેલ્લા ઘણા વર્ષોથી આ રોડ ભંગાર થઈ ગયો છે. જેથી કરીને માલ સામાન લઈને જતાં વાહનચાલકો, કારખાનાની અંદર, રોજગારી મેળવવા માટે જતા લોકો અને આ રોડ ઉપર આવેલા ગામોમાં રહેતા ગ્રામજનો સહિતના લોકોએ હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ઉલેખનીય છે કે, મોરબી અને માળિયા તાલુકાના લગભગ ૩૫ જેટલા ગામને ઉપયોગી થાય તે પીપડી રોડની હાલત દયનીય છે. તેમ છતાં પણ આ રોડના રીપેરીંગ કામ યોગ્ય રીતે કરવામાં આવી રહ્યું નથી અને ગમે ત્યારે થીગડા મરવામાં આવે છે, જે થોડા દિવસોમાં તૂટી જાય છે. જેથી કરીને રોજીંદા કામકાજ માટે તેમજ જુદા જુદા કારખાનાઓની અંદર રોજગારી મેળવવા માટે થઈને આ રોડ ઉપરથી પસાર થતા લોકોને પોતાનું આરોગ્ય અને જીવ બંને જાેખમમાં મૂકવા પડે છે. એટલુ ઓછુ છે ત્યાં, રસ્તો ખરાબ હોવાના કારણે અવારનવાર આ રસ્તા ઉપર ટ્રાફિક જામ સહિતના પ્રશ્નો ઊભા થતા હોય છે.
જેને નિવારવા માટે પણ રસ્તાનું કામ તાત્કાલિક કરવામાં આવે તેવી માંગણી અને લાગણી સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા એક વર્ષથી આ રોડને ફોરટ્રેક કરવાની વાતો કરવામાં આવી રહી છે. જાે કે, હાલમાં આ રસ્તો ગાડા માર્ગ જેવો બની ગયો છે. મોરબીના પીપળી રોડ ઉપર ધીમેધીમે કરતાં આજની તારીખે ૨૦૦ થી વધુ નાના મોટા કારખાના આવી ગયા છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો રોજગારી માટે આવે છે અને અને માલની અવર જવર માટે હજારો ટ્રક સહિતના વાહનો ૨૪ કલાક આ રોડ ઉપર આવતા અને જતાં જાેય છે.
ત્યારે ભંગાર રસ્તાના લીધે માલમાં પણ કારખાનેદારોને નુકશાની સહન કરવી પડે છે. મોરબી અને માળીયા તાલુકાના ૩૫ જેટલા ગામના લોકોની સુખાકારીમાં વધારો થાય અને આ વિસ્તારમાં સિરામિક સહિતના કારખાના ધરાવતા ઉદ્યોગકારો અને ત્યાં રોજગારી મેળવવા આવતા લોકોને પણ રાહત થાય તે માટે આગામી દિવસોમાં પીપળી રોડ ફોનલેન સી.સી.રોડ બનાવવા માટેની કવાયત કરવામાં આવી રહી છે. જાે કે, તે બને ત્યાં સુધી લોકોને ઊડતી ધૂળની ડમરીઓમાંથી રાહત મળે તેના માટે કામ કરવામાં આવે તેવી લોકોની લાગણી છે.