બનાસકાંઠા સહિત હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત ચાર દિવસથી કોલ્ડવેવની સ્થિતિ સર્જાતા લોકો ઠંડીમાં ઠુઠવાઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લા સહિત માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. શિયાળાની સિતમ વર્તાવતી ઠંડીના લીધે લોકોના દરોજ્જના કામકાજમાં પણ ફેરફાર થયો છે.
બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના એક માત્ર પર્વતીય પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં શિયાળાની ગુલાબી ઠંડીએ પોતાનો અસલ મિજાજ બતાવ્યો છે. આમ છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણ ખુલ્લું થઈ જતા શીતલહેર અને બરફની ચાદર પથરાઈ હતી. ઠંડીને કારલોકો પણ ઠુઠવાયા હતા. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ હવામાન વિભાગે આપેલી કોલ્ડવેવની આગાહી સાચી ઠરી હોય તેમ લોકો ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રોમાં વીંટળાયેલા જોવા મળી રહ્યા છે.
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા ત્રણ દિવસથી શીતલહેર વચ્ચે ગાત્રો થીજવતી ઠંડી એ માજા મૂકી હોવાથી વહેલી સવારે બાગબગી સહિત ખુલ્લામાં પાર્ક કરેલા વાહનો તેમજ પાણીના પાત્રોમાં બરફ બાજી ગયેલો જોવા મળી રહ્યો છે.
માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન છેલ્લા ત્રણ દિવસથી માઇનસમાં ચાલતા લોકો ઠુઠવાઈ ગયા છે, ત્યારે મંગળવારે પણ તાપમાન માઇનસ ત્રણ ડીગ્રી નોંધાયું હતું