પાલનપુર (ભવર મીણા): દેશભરમાં ત્રીજી લહેરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. કુદરત જાણે માનવી પર રિસાણા હોય તેમ ભર શિયાળે અવારનવાર કમોસમી વરસાદનો માર પણ પડી રહ્યો છે. જેના કારણે લોકોમાં કોરોનાનો તો વળી ખેડૂતોને ખેતી પાકમાં રોગ આવવાની ભીતિએ ચિંતિત કર્યા છે.
હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણના પલટા સાથે કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી.ત્યારે ગત રાત્રે અચાનક કાળા ડીમાંગ વાદળો વચ્ચે રહી રહીને વરસાદી ઝાપટા પડતા ધરતીપુત્રોની ઉંઘ ઉડી ગઈ હતી.
જ્યારે શનિવારના દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે શીતલહેર ફૂંકાતા લોકો ઠંડીમાં ઠુઠવાઈ ગયા હતા. અમીરગઢ તાલુકાના ખેડૂત ઉત્તમસિંહ ડાભીએ જણાવ્યું હતું કે,રવિ સીઝનનો ખેડૂતોના ખેતરોમાં તૈયાર થવાના આરે છે. ત્યારે શિયાળાની મૌસમ વચ્ચે કુદર જાણે પોતા યનો ટાર્ગેટ પૂરો કરતો હોય તેમ શિયાળામાં અવારનવાર કમોસમી વરસાદી માહોલ સર્જતાં રાયડામાં ધોળીયો,મોલો, ઘઉંમાં ગેરું, તો વળી બટાકામાં કાળી ચરમી (પાછોતરો સુકારો) આવવાની ભીતિને લઈ ધરતી પુત્રોને ખેતીની માવજતના વધારા સાથે ખર્ચમાં પણ વધારો થાય તેમ છે.