ગિરનારની લીલી પરિક્રમા પાંચ દિવસ બાદ હવે પૂરી થઈ ચૂકી છે. આ પાંચ દિવસમાં જંગલ અને તળેટી વિસ્તારમાં આશરે 150 ટન પ્લાસ્ટિક સહિતનો કચરો ફેંકવામાં આવ્યો છે. જેની સફાઈ કરતા હજું એક મહિના સુધીનો સમય લાગી શકે છે. અત્યારે ભવનાથ તળેટીને સ્વચ્છ કરવા માટે 150 જેટલા સફાઈકર્મીઓ જોડાઈ ગયા છે.
લોકોને અનેક રીતે અપીલ કરી હોવા છતાં બેજવાબદારપણું જોવા મળ્યું છે. આ વર્ષે પરિક્રમામાં રેકોર્ડબ્રેક 13.40 લાખ ભાવિકો આવ્યા હતા. પરિક્રમા પૂરી થતા પરિક્રમા માર્ગ અને તળેટી વિસ્તારમાં ગંદકીના ગંજ જોવા મળ્યા છે. જૂનાગઢ તંત્ર તરફથી ભીનો કચરો ભેગો કરવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં એઠવાડ, ગંદા પાણી તથા બીમારી ફેલાવતી વસ્તુઓ ભેગી કરી લેવામાં આવી છે. અત્યાર સુધીમાં જુદા જુદા પોઈન્ટ ઉપરથી 90 ટન જેટલો કચરો ભેગો કરવામાં આવી ચૂક્યો છે.
સમગ્ર ભવનાથને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવા માટે મહાનગર પાલિકાને હજુ ચાર દિવસનો સમય જોઈશે. નાઈટશિફ્ટમાં પણ કામ ચાલું હોવાથી દસથી બાર જેટલા વાહનો થકી સફાઈ થઈ રહી છે. ખાસ કરીને પ્લાસ્ટિક દૂર કરવા માટે પગલાં લેવાઈ રહ્યા છે. 25 ટન જેટલો કચરો પરિક્રમાના રૂટ પર ફેંકાયો હતો. આ સફાઈ કરવા માટે નાની મોટી 15 સંસ્થાઓના સભ્યો એકઠા થયા હતા. જેને આ સફાઈકામમાં મદદ કરી હતી. હજુ આ કામમાં 50 જેટલા સ્વયંસેવકો જોડાશે. સૌથી વધારે પાન મસાલાના પ્લાસ્ટિક અને ડિસ્પોઝેબલ ગ્લાસ મળી આવ્યા છે.
જ્યારે એ પછી પ્લાસ્ટિકના ખાલી શીશા મળ્યા છે. આ ઉપરાંત ડિસ્પોઝેબલ ડિશ, ચમચી અને વાટકીનો સમાવેશ થાય છે. જોકે, પરિક્રમા શરૂ થઈ એ સમયે પોસ્ટર મૂકીને પણ ઘણું મોટી અપીલ કરવામાં આવી હતી. પણ એ તમામ પ્રકારની અપીલ એળે ગઈ હોય એવું ચિત્ર ઉપસી આવ્યું છે. પ્રકૃતિ માણવા અને આસ્થા સાથે ગયેલા શ્રદ્ધાળુુઓએ અસાધારણ ગંદકી કરીને પ્રકૃતિની દઈ નાંખી.