રાજ્યમાં ઠંડીનું જાેર વધવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એક તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ થયો છે અને આ વરસાદના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. શનિવારે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો હતો. વાતાવરમાં પલ્ટો આવતા અમદાવાદ સહિતના શહેરોમાં પવન ફૂંકાતા લોકોએ ફરી ઠંડીનો અનુભવ કર્યો છે, આગામી દિવસોમાં ઠંડીનું જાેર રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં ઠંડીનું જાેર ઘટ્યા બાદ ફરી એકવાર સૂસવાટા મારતા પવનો સાથે ઠંડી અનુભવાઈ રહી છે.
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ભરશિયાળે વરસાદ નોંધાયો છે. રાજ્યના જામનગર, જામકંડોરણા, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જસદણ, બનાસકાંઠા, વલસાડ, છોટાઉદેપુર, સંખેડા, બોડેલી, અંબાજી, ધરમપુર, કપરાડા, સહિતના વિસ્તારમાં માવઠું થયું હતું. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસમાં રાજ્યમાં ઠંડીનું જાેર ફરી વધશે. રાજ્યભરમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાશે, જેમાં લઘુત્તમ તાપમાનમાં ૪થી ૬ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે.
રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીની અંદર પહોંચશે, જેમાં ગાંધીનગર સહિતના કેટલાક શહેરોનું લઘુત્તમ તાપમાન ૧૫ની નજીક પહોંચી શકે છે. વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થયેલા વરસાદના લીધે ખેડૂતોને તેમના ઉભા પાક અને લણીને મૂકેલા પાકને નુકસાન થવાનો ડર સતાવી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં સૂસવાટા મારતા પવનો ફૂકાયા હતા.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર કરંટ જાેવા મળ્યો હતો. દ્વારકાના ભડેકેશ્વર મહાદેવ મંદિર પાસે દરિયામાં ભારે મોજા ઉછળતા જાેવા મળ્યા હતા. જિલ્લાના દરિયાકાઠે આશરે પાંચથી સાત ફૂટ મોજા ઉછળતા જાેવા મળ્યા હતા. કમોસમી વરસાદના કારણે ચણા, તુવેર અને કપાસ સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અમદાવાદ-ગાંધીનગર સહિતના શહેરોમાં ગઈકાલે સૂસવાટા મારતો પવન ફૂંકાયો હતો, પવનની સાથે લોકોએ ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો, આજે પણ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે આ સાથે ઠંડી પણ અનુભવાશે.