રાઉડી રખડું: સાંભળ….હેલ્લો, અરે પાર્ટી, પેલા નેતાજીની હની ટ્રેપવાળી ક્લિપ જોઇ કે નહીં, શું હરકતો કરે છે. સામેવાળી પાર્ટી તો શું મસ્ત છે યાર….આવા વાક્ય સાંભળીને કાન સરવા થઇ ગયા. આટલું સાંભળ્યા પછી તો વધુ સાંભળવું પણ પડે અને જોવા જાણવાની તાલાવેલી જાગે તે લટકામાં. થોડીવારમાં સમજ પડી ગઇ કે માર્કેટમાં ફરતી ન્યુડ વીડિયો ક્લિપમાં કોઇ નેતાજીની ક્લિપ ધૂમ મચાવી રહી છે. અને આ પાછા કોઇ આલુચાલુ કે ઝાડું છાપ કે પછી પંજો મારીને પાડી નાખે તેવા નેતાઓ નહીં પણ કાદવમાં કમળ ખીલે તેવા રામરાજ્યવાળા નેતાઓની ક્લિપોની ચર્ચા હાલ ચાલી છે.
માર્કેટમાં હમણા આણંદ જિલ્લાની એક જાણીતી સેવાભાવી સંસ્થા સાથે સંકળાયેલા અને સ્થાનિક ક્ષેત્રે રાજકીય દબદબો ધરાવનારા નેતાની, સાબરકાંઠા જિલ્લાના એક સહકારી અગ્રણી અને દબદબો ધરાવતી રાજકીય પાર્ટીના એક પીઢ નેતા તથા ઉત્તર ગુજરાતમાં મહેસાણા તરફના એક નેતાની વીડિયો ક્લિપે હાહાકાર મચાવી દીધો છે. આ નેતાઓ વીડિયો ક્લિપમાં પોતાના કપડાં ઉતારીને વીડિયો કોલિંગમાં જે પ્રકારની હરકતો કરી રહી રહ્યાં છે તેને કારણે તેમની તો કારકિર્દી જોખમમાં મુકાઇ જ છે પરંતુ સાથે સાથે તેઓ જે પક્ષ સાથે સંકળાયેલા છે તેના આલા નેતાઓના ગળામાં મીઠી ખારેક ફસાઈ ગઇ છે.
આ જુદી જુદી વીડિયો ક્લિપોમાં એક યુવાન નેતા, એક આધેડ વયના સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા નેતા સહિતના લોકો લાઇવ વીડિયો કોલિંગ કરતાં જોવા મળે છે. સામેની મહિલા તો કામુક હરકતો કરી જ રહી છે પણ આ નેતાઓ પણ આવી હરકતો કરવામાં જાણે એવોર્ડ મળવાનો હોય તેમ એકથી એક સુપર પોઝ આપતા જોવા મળે છે. ઉંમર પંચપનની ઓક દિલ બચપન કા….હોય તેમ ગાંડાઘેલા કાઢનારા વીડિયોમાં જોવા મળનારા આ સમાજનું પ્રતિનિધિત્વ કરનારા અગ્રણીઓ હાલ તો નેટવર્ક કવરેજ ક્ષેત્રથી દૂર થઇ ગયા છે.
જોકે એક ચર્ચા એવી પણ ચાલી છે કે એક ચોક્કસ ટોળકી સક્રિય બની છે અને તે હનીટ્રેપમાં નેતાઓને અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના નેતાઓને ટાર્ગેટ કરી રહી છે. ટોળકી દ્વારા યેનકેન પ્રકારે આવી રીતે વીડિયો કોલિંગ કરવા સુધી નેતાઓને ખેંચી લાવવામાં આવી રહ્યાં છે અને એક વખત પ્રાઇવેટ વીડિયો કોલિંગ શરૂ થાય તેની સાથે શરૂ થઇ જાય છે નાણાં ખંખેરવાનો ખેલ. ઝનઝન કી સુનો ઝનકાર, યે દુનિયા હે કાલા બઝાર, પૈસા બોલતા હૈ…..