લોકો હવે વરસાદથી કંટાળી ગયા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે હવેનો વરસાદ ફાયદા કરતાં નુકસાન વધારે કરાવે છે. ત્યારે બધાને એક એવો પણ સવાલ છે કે હવે ચોમાસાની વિદાય ક્યારે થશે. તો હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી 15 સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે. આ વર્ષે નવરાત્રી ચોમાસાના વિદાય સમય વચ્ચે આવે છે એવી પણ જાણકારી છે. આ કારણે ચોમાસામાં છૂટોછવાયો વરસાદ પડે તો એમાં કોઈ નવી નવાઈની વાત ન કહી શકાય.
સાથે જ હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે તેને લઈને આગાહી કરી છે. તો સતત પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી ત્રણ દિવસ હવામાન વિભાગ તરફથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ થવાની સંભાવના છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આગામી 17-18 તારીખના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સંભાવના છે. હાલ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય છે.
મનોરમાનું કહેવું છે કે વૉલમાર્ક લૉ પ્રેશર અને વરસાદી ટર્ફની અસરને પગલે હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. બીજી તરફ રાજ્યમાં નવરાત્રી દરમિયાન પણ છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે વરસાદ આવે છે કે કેમ અને લોકોની નવરાત્રિ બગડે છે કે પછી હેમખેમ ગરબા રમી શકાય છે.