શુક્રવારથી પાંચ દિવસ સુધી રાજ્યમાં ફરી માવઠાનો માર સહન કરવો પડે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. ગુરૂવારે દક્ષિણ ગુજરાતમાં સવારથી વાતાવરણમાં એક પલટો જોવા મળ્યો હતો. ખાસ કરીને નવસારી અને વલસાડમાં ધુમ્મસભર્યુ હવામાન જોવા મળ્યું હતું. હાઈવે પર વિઝિબિલિટી ઝીરો થઈ જતા દિવસે પણ લાઈટ્સ ચાલું રાખવાની ફરજ પડી હતી.
હવમાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર આગામી 5 તારીખ સુધી માવઠું વરસી શકે છે. કેટલાક વિસ્તારમા હળવાથી ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું હવામાન જોવા મળ્યુ હતું. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ એક્ટિવ થઈ છે જેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડી શકે છે. જેની એક અસર ગુજરાત સુધી વર્તાય એવા એંધાણ દેખાઈ રહ્યા છે. આ વાવડથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ભેજવાળું વાતાવરણ રહેતા ઠંડક વર્તાય રહી છે. જેના કારણે આંબાના પાકને તથા લીલા શાકભાજીને નુકસાન થવાની ભીતિ છે. બીજી તરફ શેરડીના પાકને નુકસાન થશે.
નવસારી જિલ્લામાં પણ સવારથ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. ધુમ્મસની સાથે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી. નવસારીમાં બપોરના સમયે ગરમી અનુભવાઈ હતી. વાતાવરણમાં આવેલા પલટાને કારણે પાક પર જોખમ ઊભું થયું છે. થોડા દિવસ પહેલા રાજ્યમાં પડેલા વરસાદને કારણે અનેક મુશ્કેલીઓ ઊભી થઈ હતી. સતત બે દિવસ વાતાવરણ ઠંડું રહેતા શિયાળા જેવો અહેસાસ થયો હતો. આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ ધીમે ધીમે હજું પણ ઠંડુ પડવાનું છે.
સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો હતો. ભેજના પ્રમાણમાં વધારો થતા હિલ સ્ટેશન જેવો માહોલ રાજકોટમાં જોવા મળ્યો હતો. લોકોએ પણ ધુમ્મસને જોવાનો આનંદ માણ્યો હતો. જોકે, ડબલ ઋતુને કારણે શરદી ઉધરસના કેસમાં વધારો થયો છે. જોકે, વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પણ કોઈ અકસ્માતના બનાવ બન્યા નથી.