અમદાવાદ શહેરના એલીસબ્રીજ વિસ્તારમાં ઘરે એકલી રહેતી મહિલાઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. મહીલા તેના સાસુ અને દેરાણી સાથે ઘરે હાજર હતી, તે દરમિયાન ઘરે આવેલા કિન્નરે મહીલાને વિશ્વાસમાં લઇને ઘરના દુ:ખ દૂર કરવાની લાલચ આપી વિધિ કરવાના બહાને રોકડ તેમજ દાગીના લઇને ફરાર થઇ ગયો હતો.
આંબાવાડી વિસ્તારમાં રહેતી એક મહીલાએ એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે, 14મી એપ્રિલના દિવસે તે અને તેમના સાસુ ઘરે હાજર હતાં. તે દરમિયાન સવારના 10.30 વાગ્યાની આસપાસ એક કિન્નર તેમના ઘરે આવ્યો હતો. જેને પૈસા લેવાની ના પાડી હતી. ફરિયાદી મહિલાએ તેમને ચા પીને જવાનું કહીને ઘરમાં બોલાવીને બેસાડ્યા હતા. જ્યાં તેણે તેઓને કહ્યું હતું કે તમારા ઘરમાં હાલમાં બહુ તકલીફો ચાલે છે. તમારા ઘરની વિધિ કરવી પડશે. દરવાજા બંધ કરી દો અને એક ગ્લાસમાં પાણી કંકુ અને ચોખા નાખીને આપો જે ગ્લાસને તેણે ઘરમાં ફેરવીને તેણે ઘરની નજર ઉતારી દીધી હતી અને બાદમાં તે પાણી પોતે પી ગયો હતો અને કહ્યું હતું કે તમારા બધા દુઃખ હું પી ગયો છું.
કિન્નરે ફરિયાદી પાસે ઘીના પૈસા માગતા ફરિયાદીએ તેઓને 1100 રૂપિયા આપ્યા હતા. પરંતુ કિન્નરે એક રૂપિયો લઇને બીજા પૈસા પાછા આપ્યા હતા અને કહ્યું હતું કે, હું તારી પરીક્ષા કરતો હતો કે તું માતાજીને પૈસા આપે છે કે નહીં. બાદમાં તેણે કહ્યું હતું કે, તમારા ઘરમાંથી રૂપિયા 32 હજાર લઈ મંદિરમાં મૂકી દો તમારા ઘરનું બધું સારું થઈ જાય બાદ તમે આ પૈસા માતાજી પાછળ વાપરી દેજો.
આ પણ વાંચો
જોકે ફરિયાદી પાસે હાલ આટલા રૂપિયા ના હોવાનું કહેતા, તમારી તિજોરીમાં જ્યાં હાથ નાખશો ત્યાં પૈસા થઈ જશે તેમ કહીને એક રૂમાલ મૂક્યો હતો. જેમાં ફરિયાદીએ રૂપિયા 4000 મુકતા કિન્નરે ત્રણ સોનાના દાગીના મૂકો હું વિધિ કરી આપુ બાદમાં દૂધમાં ધોઈને પહેરી લેજો, તેમ કહેતા ફરિયાદીએ રૂપિયા 45000ના કિંમતના ત્રણ દાગીના પણ રૂમાલમાં મૂક્યા હતા. જે રૂમાલ તેની થેલીમાં મૂકવાનું કહીને હું વિધિ કરીને હમણાં બે કલાકમાં આવું છું ત્યાં સુધી તમે જમવાનું બનાવી રાખો તેમ કહીને નીકળી ગયા બાદ પરત ન આવતા મહિલાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી અને પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.