વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સામે આવીને પોતાની વાત મુકી હતી. જેમાં તેમણે સરકાર સામે સીધા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સરકરાને સવાલ કર્યો હતો કે, સરકારે કહ્યું હતુ કે, પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આજદીન સુધી ૧૧ પેપર ફૂટવાની ઘટના સામે આવી છે. તેમાંથી એકપણ પેપરમાં પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આજે અમે સરકરાને સજાગ કરવા આવ્યા છે કે, પેપર ફૂટવાની ઘટના આવનારા દિવસોમાં પણ બનવાની છે.
તેની તકેદારીના ભાગરૂપે સરકારને સજાગ કરવા આવ્યા છે. અત્યાર સુધીમાં ન તો સિસ્ટમ સુધરી ન તો સિસ્ટમનો સડો બહાર નીકળ્યો ન તો તેના લોકો બહાર આવ્યા. યુવરાજસિંહે વધુમાં જણાવ્યુ કે, રાજસ્થાન સરકારે રિટની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું તેમાં તાત્કાલિક પગલા લીધા. તેના જે અધિકારીઓ હતા, બોર્ડના અધ્યક્ષના ઘરે રેડ પણ પાડી અને અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા.
ગુજરાતમાં પેપર ફૂટ્યાની ઘટનામાં અત્યાર સુધીમાં કયા અધિકારીઓ સામે પગલા લેવામાં આવ્યા? રાજસ્થાન સરકાર આ દાખલો બેસાડી શકે તો ગુજરાત સરકાર કેમ નહીં? આ સાથે જે ગેરરીતિ કરીને આવેલા નોકરી કરતા ઉમેદવારોને પણ ઘર ભેગા કરી દેવામાં આવ્યા હતા. રાજસ્થાનની વિરોધ પક્ષની સરકાર એટલે બીજેપી ઘરણાં પ્રદર્શન કરીને આવા કેસમાં સીબીઆઈની માંગ કરી રહી છે, તો ગુજરાત રાજ્યની સત્તા પક્ષની બીજેપી સરકાર આ અંગે કોઇ માંગ કેમ નથી કરતી?
તો સરકારને સીધો સવાલ છે કે, અન્ય રાજ્યની સરકાર યુવા હિતમાં આવા ર્નિણયો લઇ શકે તો ગુજરાત સરકાર કેમ નહીં. આપણે એકપણ એવો દાખલો નથી બેસાડ્યો જેમાં અધિકારીઓનાં ઘરમાં રેડ પાડવામાં આવી હોય. યુવરાજસિંહે જણાવ્યુ કે, ૨૦૧૯માં બિનસચિવાલય કલાર્કના પેપર પહેલા દસ દિવસ પહેલા અમે સરકરાને એક અરજી આપી હતી કે, આ શાળામાં પરીક્ષામાં ચોરી થશે, પરંતુ ત્યારે અમારી વાત માનવામાં ન આવી.
પછી જ્યારે આ કેસમાં એસઆઈટીની રચના થઇ ત્યારે અમે આપેલી તમામ ફરિયાદો સાચી નીકળી હતી. તો અમે સરકરાને જે પ્રશ્ન પૂછીએ છીએ કે, આ સમયે જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ગેરરિતીના લાભાર્થીઓ સામે પગલા લેવાયા? ભવિષ્યની વાત કરતા વિદ્યાર્થી નેતાએ જણાવ્યુ કે, ‘અમે ભૂતકાળમાં અનેક લોકોના નામ કહીને આરોપો કહ્યા છે, જેના પુરાવા અમારી પાસે છે તે અંગેની કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
અમે ઇચ્છીએ છીએ કે, હવે જે પરીક્ષા લેવાનારી છે તેમાં કોઇ ગેરરીતિ ન થાય તેની જવાબદારી સત્તા પક્ષની સાથે ગૃહરાજ્યમંત્રી, પોલીસ તંત્ર, સાયબર સેલની પણ છે. દરેક લોકોએ પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવવી પડશે. નહીં તો ગેરરીતિ, ભ્રષ્ટાચાર અને કૌભાંડ નવી મોડસ ઓપરન્ડીથી થશે. વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા ચાલી રહ્યા છે.