આમ આદમી પાર્ટીએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (એમસીડી) ૬,૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ લગાવેલા આક્ષેપ પ્રમાણે એમસીડીમાં ભાજપના નેતાઓની મિલીભગતના કારણે ટોલટેક્સમાં ભારે મોટું કૌભાંડ થયું છે. ઉપરાંત તેમણે આ મામલે સીબીઆઈ તપાસની પણ માંગણી કરી છે.
મનીષ સિસોદિયાએ આ અંગ ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને પત્ર લખ્યો છે. તેમના કહેવા પ્રમાણે દિલ્હીમાં દરરોજ ૧૦ લાખ કોમર્શિયલ વાહનોની એન્ટ્રી થાય છે અને તેમના પાસેથી પૈસા લેવામાં આવે છે પરંતુ તે પૈસા એમસીડીને નથી મળી રહ્યા. આ ઉપરાંત સિસોદિયાએ ૧,૨૦૦ કરોડવાળું લાઈસન્સ ૭૮૬ કરોડમાં આપવાનો પણ આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીએ અગાઉ ભાજપાશાસિત એમસીડીપર ‘એસ્ક્રો’ ખાતામાંથી ૬,૭૬૦ કરોડ રૂપિયા ગાયબ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આપના ધારાસભ્ય અને એમસીડી પ્રભારી દુર્ગેશ પાઠકે એવો દાવો કર્યો હતો કે, પાર્કિંગ અને કન્વર્ઝન ફી પેટે ૬,૮૦૦ કરોડ રૂપિયા એસ્ક્રોના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. જ્યારે ભાજપાશાસિત એમસીડીએ ૨૦૧૨થી અત્યાર સુધીમાં પાર્કિંગ માટે માત્ર ૪૦ કરોડ રૂપિયા જ ખર્ચ કર્યા છે. આમ આદમી પાર્ટીના એમસીડીપ્રભારી દુર્ગેશ પાઠકના કહેવા પ્રમાણે એમસીડીજે પણ ટેક્સ ઉઘરાવે છે તે એસ્ક્રોના ખાતામાં જાય છે. એક પ્રક્રિયા અંતર્ગત તે પૈસા ક્યાં ખર્ચ કરવામાં આવે તે નક્કી થાય છે.
દિલ્હીની જનતા પાર્કિંગ અને કન્વર્ઝન માટે જે ચાર્જ આપે છે તે તમામ રકમ એસ્ક્રોના ખાતામાં જમા થાય છે. દસ્તાવેજાેમાં સ્પષ્ટ લખેલું છે કે, તે પૈસાનો ફક્ત અને ફક્ત પાર્કિંગ કે કન્વર્ઝન માટે જ ઉપયોગ કરવામાં આવે. વર્ષ ૨૦૧૨થી આજ સુધી એમસીડીના એસ્ક્રો ખાતામાં પાર્કિંગ અને કન્વર્ઝન ચાર્જ પેટે આશરે ૬,૮૦૦ કરોડ રૂપિયા હોવા જાેઈએ. જાે ભાજપે પાર્કિંગ માટે માત્ર ૪૦ કરોડ રૂપિયા જ ખર્ચ કર્યા છે તો એસ્ક્રોના ખાતામાં ૬,૭૬૦ કરોડ રૂપિયા હોવા જાેઈએ. જ્યારે આરટીઆઈદ્વારા મળતી જાણકારી પ્રમાણે ખાતામાં માત્ર ૧.૫ કરોડ રૂપિયા જ બચ્યા છે. આ સંજાેગોમાં સવાલ એ થઈ રહ્યો છે કે, બાકીના તમામ રૂપિયા ક્યાં ગયા. તે અંગેની તપાસ થવી જાેઈએ.