ખાલી એક રૂપિયામાં નાસ્તો અને 10 રૂપિયામાં ભરપેટ જમવાનું, રોજના 500 લોકોનું પેટ ઠારે છે ભગવાનના માણસો

Lok Patrika
Lok Patrika
4 Min Read
Share this Article

5,000થી વધુ કિન્નરોના સંગઠને કલ્યાણ રેલ્વે સ્ટેશન નજીક જરૂરિયાતમંદો માટે રસોડું શરૂ કર્યું છે. આ એક એવું રસોડું છે જ્યાં 1 રૂપિયામાં નાસ્તો અને 10 રૂપિયામાં ભોજન આપવામાં આવે છે. તેની શરૂઆતના દિવસે 7 સપ્ટેમ્બર રસોડામાં ઓછામાં ઓછા 270 લોકોને ભોજન આપવામાં આવ્યું હતું. ગરીબો માટે આ રસોડું અન્નપૂર્ણાથી ઓછું નથી. ખ્વાઈશ ફાઉન્ડેશનના પ્રમુખ અને આ અનોખી પહેલ શરૂ કરનાર પૂનમ સિંહે જણાવ્યું કે એક અઠવાડિયામાં આ રસોડાનો પ્રતિસાદ ખૂબ જ સારો મળી રહ્યો છે.

હવે એક દિવસમાં 500થી વધુ ગ્રાહકો અહીં આવી રહ્યા છે. જે લોકો અહી ભોજન માટે આવે છે તેમાં નજીકની નાગરિક સંચાલિત રુક્મિણીબાઈ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સંબંધીઓનો સમાવેશ થાય છે. આ રસોડું કોઈપણ સરકારી એજન્સી કે રાજકારણીની મદદ વગર ચાલી રહ્યું છે. રસોડાનો ખર્ચ ખ્વાઈશ ફાઉન્ડેશનના સભ્યો પોતે ઉઠાવી રહ્યા છે. તે દરરોજ પોતાની કમાણીમાંથી એક રૂપિયો અહીં દાનમાં આપે છે. કેટલીક સંસ્થાઓ અનાજનું દાન પણ કરી રહી છે.

આ સારી પહેલ જોઈને ઘણા લોકો આગળ આવી રહ્યા છે અને પોતે અનાજ, શાકભાજી કે રાશનનું દાન કરી રહ્યા છે. પૂનમ સિંહ જેમને અમ્મા કહેવામાં આવે છે તેણે કહ્યું ‘મેં લોકોને કોરોના સમયગાળા અને લોકડાઉન દરમિયાન સંઘર્ષ કરતા જોયા. મારા સમાજના લોકો સહિત તમામ ગરીબો જમવાના પણ ફાંફા હતા. ત્યારે જ મેં જરૂરિયાતમંદો માટે આવું રસોડું શરૂ કરવાનું નક્કી કર્યું.

પૂનમે જણાવ્યું કે તે કલ્યાણ નિવાસી સમીર શેખ પાસે પહોંચી. સમીરને કેટલાક કારણોસર તેની હોટલ બંધ કરવાની ફરજ પડી હતી. તે તરત જ રસોડા માટે તેની જગ્યા ઉધાર આપવા સંમત થયો. સાત કિન્ન્રરો સહિત 12 અન્ય લોકો સાથે રસોડું સંભાળતા શેખે જણાવ્યું હતું કે, “અમે નાસ્તામાં પોહા, ઉપમા અને ક્યારેક શીરા અને બે ચપાતી, એક શાક, ભાત અને દાળનું સંપૂર્ણ ભોજન પીરસીએ છીએ.” તે એક સમુદાય છે જેની સાથે સમાજ દ્વારા ભેદભાવ કરવામાં આવે છે. ઘણા લોકો ભીખ માંગીને જીવવા માટે મજબૂર છે, પરંતુ 5,000થી વધુ કિન્નરોની સંસ્થાએ જરૂરિયાતમંદોની સેવા કરીને એક ભવ્ય ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

ટિટવાલાના રહેવાસી રમેશ જાધવે જણાવ્યું કે તેમના પરિવારના એક સભ્યની રૂક્મિણીબાઈ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તે અહીં રોજ ખાવા માટે આવે છે. આ રસોડાનું ભોજન સસ્તું હોવાની સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે. રસોડામાં કામ કરતા કિન્નરોમાંથી એકે કહ્યું, “હું એવા લોકોને ખવડાવીને ખૂબ જ ખુશ છું જેઓ યોગ્ય ભોજન લઈ શકતા નથી. અહીં જમ્યા પછી તેઓ અમારો આભાર માને છે ત્યારે અમે ધન્યતા અનુભવીએ છીએ. જરૂરિયાતમંદો માટે રસોડા ઉપરાંત, ખ્વાઈશ ફાઉન્ડેશન તેના ડોમ્બિવલી કેન્દ્રમાં એક તાલીમ સંસ્થા પણ ચલાવે છે જે 25 વંચિત લોકોને તેમના નાણાકીય સશક્તિકરણ માટે મૂળભૂત કમ્પ્યુટર્સ, સૌંદર્ય સેવાઓ, મહેંદી અને સિલાઈ જેવી રોજગારી યોગ્ય કુશળતા પૂરી પાડે છે.

દેશના પ્રથમ કિન્નર મ્યુઝિક બેન્ડની સભ્ય કોમલ પાટીલ પણ ખાવૈશ ફાઉન્ડેશન સાથે સંકળાયેલી છે. તેણે કહ્યું, ‘મેં દેશભરમાં ઘણા ટ્રાન્સજેન્ડર જૂથો સાથે કામ કર્યું છે, પરંતુ અમ્મા જે રીતે જરૂરિયાતમંદોને ઓછામાં ઓછા ખર્ચે ભોજન પૂરું પાડે છે તે પ્રશંસનીય છે. થાણે જિલ્લા કલેક્ટર રાજેશ નાર્વેકરે ગયા અઠવાડિયે રસોડાના ઉદ્ઘાટન વખતે કિન્ન્રરોના જૂથની પ્રશંસા કરી હતી.


Share this Article