ભોપાલના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરને રવિવારે રાતે એક યુવતીનો વીડિયો કોલ આવ્યો હતો જેમાં તે યુવતી ન્યૂડ થતી જાેવા મળી હતી. ત્યાર બાદ બે અજાણ્યા નંબરો પરથી રવિવારે સાંજે અશ્લીલ ફોટો અને મેસેજ મોકલવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે અજ્ઞાત ફોન નંબર્સ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરીને આરોપીની તલાશ શરૂ કરી દીધી છે. રવિવારે સાંસદના મોબાઈલ પર અજ્ઞાત નંબર પરથી ફોટો અને મેસેજ મોકલવામાં આવ્યા હતા. આ મામલે સાંસદે મોડી રાતે આશરે ૨ઃ૦૦ વાગ્યે ટીટી નગર થાણામાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે મોડી રાતે ૨ મોબાઈલ નંબર પરથી આવેલા આપત્તિજનક મેસેજ મામલે કેસ નોંધ્યો હતો. ટીટી નગર ટીઆઈ ચેન સિંહ રઘુવંશીએ અજ્ઞાત ફોન નંબર વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ફરિયાદ પ્રમાણે પહેલા સાસંદને અશ્લીલ ફોટો મોકલવામાં આવ્યા હતા અને નંબરોની ડિટેઈલ જાણવા માટે સાઈબર સેલની મદદ લેવામાં આવી રહી છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાના કારણે સાધ્વી પ્રજ્ઞા હોસ્પિટલમાં દાખલ થયા હતા અને ૫ ફેબ્રુઆરીના રોજ જ તેમને હોસ્પિટલમાંથી રજા મળી હતી. બે દિવસથી તેઓ ઘરે આરામ કરી રહ્યા હતા.
જાણવા મળ્યા મુજબ ભોપાલ લોકસભા ક્ષેત્રના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને રવિવારે સાંજે ૭ઃ૦૦ કલાકે એક યુવતીએ વ્હોટ્સએપ પર વીડિયો કોલ કર્યો હતો. થોડા સમય બાદ યુવતી પોતાના કપડા ઉતારવા લાગી હતી જેથી સાંસદે તરત જ ફોન ડિસકનેક્ટ કરી દીધો હતો. આ વીડિયો કોલ મોબાઈલ નંબર ૬૩૭૧ ૬૦૮ ૬૬૪ પરથી આવ્યો હતો. થોડા સમય બાદ અન્ય એક નંબર ૮૨૮૦૭ ૭૪૨૩૯ પરથી સાંસદ અને તે યુવતીનો રેકોર્ડિંગ વીડિયો મોકલવામાં આવ્યો હતો.
આ સાથે જ આરોપીએ જાે તેમની માગણી સ્વીકારવામાં નહીં આવે તો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવશે તેવી ધમકી પણ આપી હતી. આ કેસની ગંભીરતા જાેતા સાંસદ સાધ્વીએ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે સાંસદની ફરિયાદના આધારે આરોપી વિરૂદ્ધ કલમ ૩૫૪, ૫૦૭ અને ૫૦૯ અંતર્ગત કેસ દાખલ કર્યો છે.