India News : રેલવે બોર્ડે (Railway Board) ટ્રેન અકસ્માતમાં કોઈના મૃત્યુ કે ઈજા બાદ મળતી આર્થિક સહાયની રકમમાં 10 ગણો વધારો કર્યો છે. હવે અકસ્માતની સ્થિતિમાં 10 ગણું વધારે વળતર આપવામાં આવશે. તેમાં છેલ્લે ૨૦૧૨ અને ૨૦૧૩ માં સુધારો કરવામાં આવ્યો હતો. 18 સપ્ટેમ્બરે રેલવેએ એક નવો પરિપત્ર બહાર પાડીને જણાવ્યું હતું કે, ટ્રેન અકસ્માતો અને અનિચ્છનીય ઘટનાઓમાં પોતાનો જીવ ગુમાવનાર ઇજાગ્રસ્ત મુસાફરોના આશ્રિતોને આપવામાં આવતી સહાયની રકમમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રેલવે બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, રોડ વપરાશકારો માટે વળતરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. માનવસર્જિત લેવલ ક્રોસિંગ પર રેલ્વેની જવાબદારીને કારણે આ અકસ્માતો થયા હતા. આ આદેશ ૧૮ સપ્ટેમ્બરથી અમલમાં આવશે.
રેલવે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા પરિપત્ર મુજબ ટ્રેનો અને માનવસંચાલિત લેવલ ક્રોસિંગ પર અકસ્માતમાં મૃત્યુ પામેલા મુસાફરોના પરિવારોને હવે 5 લાખ રૂપિયા મળશે, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને અઢી લાખ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે. જો સામાન્ય ઈજા થાય તો મુસાફરોને કુલ 50,000 રૂપિયા મળશે.
અગાઉ કેટલા પૈસા મળ્યા હતા?
રેલવે બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર પહેલા આ રકમ 50 હજાર, 25 હજાર અને 5 હજાર રૂપિયા હતી. મૃતકના આશ્રિતો, ઇજાગ્રસ્તોને 1.5 લાખ રૂપિયા, 50 હજાર રૂપિયા અને 5000 રૂપિયા મળતા હતા.
રેલવે બોર્ડના પરિપત્ર મુજબ ટ્રેનમાં આતંકવાદી હુમલો, હિંસક હુમલો અને લૂંટ જેવી ઘટનાઓ બને અને મુસાફરો ગંભીર રીતે ઘાયલ થાય તો વળતર પણ આપવામાં આવશે. આવા અકસ્માતોમાં ઘાયલ થયેલા લોકો 30 દિવસથી વધુ સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહેશે તો વધારાની રકમ આપવામાં આવશે. આવી સ્થિતિમાં, દરરોજના 3,000 રૂપિયા આપવામાં આવશે.