National News: સંસદની સુરક્ષા લેપ્સ કેસના તમામ છ આરોપીઓને ગુરુવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હાજર થયા બાદ દિલ્હી પોલીસે આરોપીના પોલીગ્રાફ ટેસ્ટની પરવાનગી માંગી હતી. કોર્ટ દિલ્હી પોલીસની આ અરજી પર 2 જાન્યુઆરીએ સુનાવણી કરશે. હાલ તમામ આરોપીઓ 5 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં છે. દિલ્હી પોલીસે આ તમામ સામે UAPAની કલમ 16A હેઠળ આરોપો દાખલ કર્યા છે.
થોડા દિવસો અગાઉ 13 ડિસેમ્બરે ચાર લોકોએ સંસદમાં પ્રવેશ કર્યો અને તેઓ મુખ્ય હોલમાં કૂદી ગયા. આ લોકોએ અહીં પીળા રંગનો ધુમાડો છોડ્યો હતો. તે સમયે સંસદ બહાર પણ બે લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ બધાને પકડી લેવાયા હતા. આ કેસમાં આરોપી સાગર શર્મા, નીલમ આઝાદ, મહેશ કુમાવત, લલિત ઝા, ડી. મનોરંજન અને અમોલ શિંદેને રજૂ કરવામાં આવ્યા હતા. હાલ આ તમામ આરોપીઓ 5 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં છે. દિલ્હી પોલીસે આ તમામ સામે UAPAની કલમ 16A હેઠળ આરોપો દાખલ કર્યા છે.
વાસ્તવમાં 13 ડિસેમ્બરે બે યુવકો સંસદની વિઝિટર ગેલેરીમાંથી લોકસભામાં કૂદી પડ્યા હતા. થોડી વાર પછી, ડેસ્ક પર ચાલતા એક યુવકે તેના જૂતામાંથી કંઈક કાઢ્યું અને અચાનક પીળો ધુમાડો નીકળવા લાગ્યો. આ ઘટના બાદ ગૃહમાં હોબાળો મચી ગયો હતો. હંગામા અને ધુમાડા વચ્ચે કેટલાક સાંસદોએ આ યુવાનોને પકડી લીધા અને માર પણ માર્યો. થોડા સમય બાદ સંસદના સુરક્ષાકર્મીઓએ બંને યુવકોને પકડી લીધા હતા. આ ઘટનાએ દેશની સૌથી મહત્ત્વપૂર્ણ ઇમારતની સુરક્ષા બાબતે સવાલો ઊભા કર્યા છે. આ પછી જે પણ થયું તેને ‘લોકતંત્રની હત્યા’ ગણાવાઈ રહ્યું છે.
સંસદની સુરક્ષામાં ચૂક જ 146 સંસદસભ્યોના સસ્પેન્શનની પૃષ્ઠભૂમિ પણ છે. જ્યારે સંસદમાં આ બધું બન્યું એ દિવસે અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશમાં નવા મુખ્યમંત્રી મોહન યાદવની શપથવિધિ સમારોહમાં ભાગ લેવા ભોપાલમાં હતા. આ ઘટના પછી વિપક્ષના નેતા માગ કરી રહ્યા હતા કે ગૃહમંત્રી સંસદની સુરક્ષાની ખામી બાબતે સંસદમાં નિવેદન આપે. આ માગણી ઉગ્ર થયા પછી વિપક્ષી સંસદસભ્યોને સામૂહિક રીતે સસ્પેન્ડ કરી દેવાયા હતા. સંસદસભ્યોને સસ્પેન્ડ કરવાનું કારણ ‘હોબાળો કરવો અને સંસદમાં કામમાં વિઘ્નો ઊભા કરવા’નું અપાયું હતું.