જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ એક સારી તક છે. લાંબા સમય બાદ સોનાની કિંમત 50,000ના નિશાનથી નીચે આવી છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં ઘટાડા વચ્ચે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાનો ભાવ 478 રૂપિયા ઘટીને 49,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો હતો.
છેલ્લા ટ્રેડિંગ દિવસે બુધવારે કિંમતી પીળી ધાતુ રૂ. 50,308 પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1,689 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલના જણાવ્યા અનુસાર, ડોલરની મજબૂતાઈ અને ઈક્વિટી ઈન્ડેક્સમાં વધારો થવાને કારણે પાછલા સત્રમાં સોનાના ભાવમાં વેચવાલી જોવા મળી હતી. સમગ્ર વિશ્વમાં આર્થિક મંદીના ભય છતાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ સામાન્ય રીતે આવું થતું નથી. મંદી અને યુદ્ધ જેવા સંકટમાં સોનાના ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. પરંતુ આ વખતે પરિસ્થિતિ બદલાઈ છે. યુએસમાં ટ્રેઝરી યીલ્ડમાં વધારો અને ડૉલરની મજબૂતીથી સોનું ઘટી રહ્યું છે.
સોનામાં ઘટાડો એ દેશના ખરીદદારો માટે સોનેરી તક છે. ગુરુવારે વૈશ્વિક સોનાના ભાવ લગભગ એક વર્ષની નીચી સપાટીએ આવી ગયા છે. તેની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે. આજે સ્થાનિક બજારમાં સોનાની કિંમતમાં સતત બીજા દિવસે ઘટાડો થયો છે અને તે 16 મહિનામાં સૌથી સસ્તો બની ગયો છે. સોનાની સાથે અન્ય કિંમતી ધાતુ ચાંદીમાં પણ જોરદાર ઘટાડો થયો છે. ગુરુવારે ચાંદીનો ભાવ રૂ. 1,265 ઘટીને રૂ. 54,351 પ્રતિ કિલોગ્રામ થયો હતો જે અગાઉના વેપારમાં રૂ. 55,616 પ્રતિ કિલોગ્રામ હતો. એચડીએફસી સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ 18.42 ડોલર પ્રતિ ઔંસ હતો.