દેશમાં સરકારી નોકરીઓની ભારે અછત છે ત્યારે રિલાયન્સ જેવી પ્રાઈવેટ કંપનીમાં હજારો જાેબ ઓફર ખુલી છે. રિલાયન્સ જૂથની રિલાયન્સ રિટેલે એક ક્વાર્ટરમાં ૧૭ હજાર લોકોની ભરતી કરી છે અને તેનો કુલ સ્ટાફ ૩,૭૯,૦૦૦ ને પાર કરી ગયો છે. હજુ પણ તે મોટા પાયે ભરતી કરી રહી છે જેમાં યોગ્ય ઉમેદવારને એક કરોડ સુધીનો પગાર ઓફર થાય છે. રિક્રુટર્સે જણાવ્યું કે મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ દ્વારા ૨૦૦ સિનિયર એક્ઝિક્યુટિવ, વાઈસ પ્રેસિડન્ટ લેવલ અને તેનાથી ઉપરના લેવલ પર ઉમેદવારોને લેવાના છે.
તેમાં વાર્ષિક પગાર એક કરોડ અથવા તેનાથી પણ વધારે આપવામાં આવશે. આ ઉપરાંત જુનિયર અને મિડ-લેવલ એક્ઝિક્યુટિવ્સ માટે હજારો લોકોની ભરતી કરવાની છે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ એ રિલાયન્સની રિટેલ હોલ્ડિંગ કંપની છે અને આગામી ત્રણ ક્વાર્ટરમાં, એટલે કે નવ મહિનામાં જુનિયર અને મિડ-લેવલમાં ૬૦,૦૦૦ યુવાનોને હાયર કરવાની છે. તેમાંથી ઘણા લોકોને રિલાયન્સના આઉટલેટ પર ભરતી કરવામાં આવશે. કંપનીના રિટેલ બિઝનેસે વિવિધ ગ્લોબલ બ્રાન્ડ સાથે ભાગીદારી કરી છે, નવા આઉટલેટ્સ ખોલ્યા છે અને આગામી મહિનાઓમાં વધુ આઉટલેટ ખોલવાની યોજના છે ત્યારે આ ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે.
એક એક્ઝિક્યુટિવ સર્ચ કંપનીના વડાએ જણાવ્યું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો રિટેલ બિઝનેસ જંગી વિસ્તરણ કરવા જઈ રહ્યો છે. તેમાં ૧૫૦થી ૨૦૦ સિનિયર એક્ઝિક્યુટિવ્સ લેવામાં આવશે જેમને વાઈસ-પ્રેસિડન્ટ અને તેનાથી ઉપરની પોસ્ટ અપાશે. આ લોકોને ગ્લોબલ ચેઈન્સ સાથે હરીફાઈ કરવા માટે હાયર કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં રિલાયન્સ રિટેલે અમેરિકન એપેરલ કંપની ગેપ સાથે ફ્રેન્ચાઈઝી એગ્રીમેન્ટ કર્યા હતા.
તેનાથી અગાઉ રિલાયન્સ બ્રાન્ડ્સે ગ્લોબલ ફ્રેશ ફૂડ અને ઓર્ગેનિક કોફી ચેઈન પર્ટ એ મેનેજર સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી. રિલાયન્સ રિટેલ ઓનલાઈન અને ઓફલાઈન બંને સ્ટોર્સ ચલાવે છે. તેમાં રિલાયન્સ માર્ટ, રિલાયન્સ ટ્રેન્ડ્સ, રિલાયન્સ ડિજિટલ, એજિયો. કોમઅને જિયોમાર્ટનો સમાવેશ થાય છે. રિલાયન્સની હાલની બ્રાન્ડ્સમાં અરમાની એક્સચેન્જ, જીમી છો,કેટ સ્પેડ ન્યૂયોર્કઅને મનીષ મલ્હોત્રા સામેલ છે. ચાલુ વર્ષમાં રિલાયન્સ રિટેલે મહિલાઓની ફૂટવેર બ્રાન્ડ કેટવોક ખરીદી હતી અને સનગ્લાસ હેટના ફ્રેન્ચાઈઝી રાઈટ્સ મેળવ્યા હતા.
કંપનીએ તાજેતરમાં જાહેર કરેલા રિઝલ્ટ પ્રમાણે રિલાયન્સ રિટેલે ૧૭ હજાર લોકોની ભરતી કર્યા પછી હવે તેમાં ૩.૭૯ લાખ લોકો કામ કરે છે. દેશમાં તહેવારોની સિઝન આવી રહી છે જે દરમિયાન લોકો મોટા પ્રમાણમાં શોપિંગ કરશે. તહેવારોના સેલ્સનો ફાયદો લેવા માટે કંપની છ મહિના માટે ટેમ્પરરી સ્ટાફને પણ ભરતી કરશે. આ ઉપરાંત તે મોટી સંખ્યામાં નવા સ્ટોર્સ ખોલી રહી છે જેમાં દરેકમાં ૩૦થી ૩૫ લોકોની ભરતી કરવામાં આવશે. કંપની મોટા ભાગે અનુભવી લોકોને જ હાયર કરી રહી છે અને અમુક પોઝિશન પર ફ્રેશર્સની ભરતી કરે છે.