ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે (2 જૂન) સાંજે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. હાવડા જતી કોરોમંડલ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને બીજી ટ્રેન સાથે અથડાઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે અત્યાર સુધીમાં 233 લોકોના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે. જેના કારણે હોસ્પિટલોમાં ઘાયલોની ભીડ જામી છે. ગુડ્સ ટ્રેન, કોરોમંડલ એક્સપ્રેસ અને હાવડા એક્સપ્રેસ ટ્રેનની ટક્કરથી આ અકસ્માત થયો હતો.
બાલાસોરમાં બનેલી આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. સ્થળ પર ઠેર-ઠેર મૃતદેહો પડ્યા છે, બૂમો પડી રહી છે. કેટલાક ટ્રેનમાં ફસાયા છે તો કેટલાક પાટા પર પડ્યા છે. રાહત બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે, આવી સ્થિતિમાં ઘાયલ અને માર્યા ગયેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે. મળતી માહિતી મુજબ છેલ્લા 12 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હોવા છતાં પણ મોટી સંખ્યામાં લોકો દુર્ઘટનાગ્રસ્ત ટ્રેનમાં ફસાયેલા છે.
રાતભર બચાવ કામગીરી ચાલી રહી છે
બાલાસોર જિલ્લામાં આ ટ્રેનની ઘટનામાં સ્થાનિક લોકો અને બચાવ ટીમ બોગીમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. રેલ્વે, ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ પ્રશાસનના 600 જવાનો આખી રાત અંધારામાં બોગીમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડતા રહ્યા. આ અકસ્માત બાલાસોરથી લગભગ ચાલીસ કિલોમીટર દૂર બહાનાગા બજાર સ્ટેશન પાસે થયો હતો. બહાનાગા, બાલાસોરથી ભુવનેશ્વર સુધીની હોસ્પિટલો ઘાયલોથી ભરેલી છે.
ત્રણ ટ્રેન વચ્ચે અથડામણ
હાવડા જતી 12864 બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પહેલા પાટા પરથી ઉતરી ગયા હતા અને સાંજે લગભગ 7.30 વાગ્યે બાલાસોર નજીક નજીકના ટ્રેક પર પડ્યા હતા. બીજી બાજુથી શાલીમારથી ચેન્નાઈ જતી રોમાન્ડલ એક્સપ્રેસ પૂરપાટ ઝડપે આવી રહી હતી. હાવડા અને કોરોમંડલ એક્સપ્રેસ વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ કે કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પણ પાટા પરથી ઉતરી ગયા અને બીજા ટ્રેક પર આવતી માલગાડી સાથે અથડાઈ.
આ પણ વાંચો
ઘાતક આગાહી: બસ આ તારીખ સુધી મજા કરી લો, ફરીથી વાતાવરણ પલટાશે અને અંગ દઝાડતી ગરમી પડવાનું શરૂ
રાજ્યમાં શોકનો આદેશ
ઓડિશામાં થયેલી દુર્ઘટનાને કારણે સરકારે શનિવાર, 3જી જૂને તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. આ સાથે રાજ્યમાં શોકનો પણ આદેશ આપવામાં આવ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મૃતકો અને ઘાયલો માટે વળતરની રકમની જાહેરાત કરી છે.