શનિવાર સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેબિનેટની મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠક સાંજે ૪.૩૦ કલાકે બોલાવી હતી. સામાન્ય રીતે આવી બેઠક બુધવારના દિવસે બોલાવવામાં આવે છે પરંતુ શનિવારના આ બેઠક કોઈ ખાસ ઉદેશ્યથી બોલાવવામાં આવી હતી. આ બેઠક પર સૌ કોઈની નજર હતી. ત્યારે આ બેઠકમાં એક મોટા મુદ્દા પર ર્નિણય લેવામાં આવ્યો છે.
આ કેબિનેટ મીટિંગમાં ગરીબ અન્ન કલ્યાણ યોજનાને આગામી ૬ મહિના સુધી વધારવામાં આવી છે. મોદી કેબિનેટમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે કે, આગામી ૩૦ સપ્ટેમ્બર સુધી આ યોજના ચાલુ રહેશે. પહેલા આ યોજના ૩૧ માર્ચના રોજ પૂર્ણ થવાની હતી. તમને જણાવી દઈએ કે, કોરોનાના કારણે લોકડાઉન લગાવ્યા બાદ કેન્દ્ર સરકારે આ યોજનાની શરૂઆત કરી હતી. તેના માટે સરકારે ૧.૭૦ કરોડની રમક ફાળવી હતી.
આ અન્ન યોજના હેઠળ ગરીબોને મફતમાં વ્યક્તિ દિઠ ૫ કિલોના દરથી અનાજ આપવામાં આવતું હતું. તમને જણાવી દઈએ કે, લગભગ આખું મંત્રીમંડળ લખનઉમાં હતું કેમ કે ઉત્તર પ્રદેશમાં નવી સરકારની રચનાની પ્રક્રિયા પૂર્ણ થવાની હતી. એવામાં ત્યાંથી પરત ફર્યા બાદ તરત જ પીએમ મોદીએ આ બેઠક બોલાવી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં સંસદનું સત્ર ચાલી રહ્યું છે એવામાં કેબિનેટની આ બેઠક અંગે અટકળોનો દોર ચાલુ રહ્યો હતો.