Jamnagar News: રાજ્યના કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલની રજૂઆતને ગ્રાહ્ય રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જામનગર અને જોડિયા તાલુકાના અનેક ગામોને જોડતા માર્ગોનું નવીનીકરણ કરવાના કામોને મંજૂરી આપવામાં આવી છે. જામનગરના પ્રજાજનોની સુવિધામાં વધારો કરતા નિર્ણય બદલ કૃષિ મંત્રીએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ અંગે માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, જામનગર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હેઠળ સાત વર્ષથી જૂના રસ્તાઓનું ‘કિસાન પથ યોજના’ તેમજ ‘ખાસ મરામત યોજના’ હેઠળ રીસર્ફેસિંગ કામ હાથ ધરવામાં આવશે. કિસાન પથ યોજના હેઠળ રૂ. ૧૨.૪૫ કરોડ તેમજ ખાસ મરામત યોજના હેઠળ રૂ. ૬.૮૦ કરોડના ખર્ચે રોડ-રસ્તાના મરામત કામો હાથ ધરાશે. મંજૂર કરાયેલા રસ્તાઓ જામનગર ગ્રામ્ય અને જોડિયા તાલુકાના ગામોને આવરી લેશે, જે ગ્રામજનોને જરૂરી સેવાઓ અને બજારો સુધી પહોંચવા માટે ઘણી જરૂરી સગવડ પૂરી પાડશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ખાસ મરામત યોજના હેઠળ જામનગર તાલુકાના લાખાબાવળથી સ્ટેટ હાઈવે સુધીના રસ્તા માટે રૂ. ૧૫૦ લાખ, મોટી બાણુંગારથી સ્ટેટ હાઈવે સુધીના રોડ માટે રૂ. ૫૦ લાખ, સ્ટેટ હાઈવેથી જે.એન.વી.(અલીયા) સુધીના રોડ માટે રૂ. ૫૦ લાખ, વંથલી ટુ રેલ્વે સ્ટેશન એપ્રોચ સુધીના રોડ માટે રૂ. ૫૦ લાખ તેમજ ધુતારપર-સુમરી-ખારાવેઢા-પીઠડીયા સુધીના રોડ માટે રૂ. ૩૮૦ લાખની મંજૂરી આપવામાં આવી છે. આમ, કુલ મળી આશરે ૧૪.૪૦ કિ.મી.ના રોડની મરામત કામગીરી માટે ખાસ મરામત યોજના હેઠળ કુલ રૂ. ૬.૮૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, કિસાન પથ યોજના હેઠળ જામનગર તાલુકાના નારણપુર નાઘુના રોડ માટે રૂ. ૧૩૫ લાખ, લાવડીયા-મકવાણા-ઢંઢા રોડ માટે રૂ. ૬૦ લાખ, શંકરપુર-ખંભાલીડા-મોટોવાસ રોડ માટે રૂ. ૫૦ લાખ, ચેલાથી સ્ટેટ હાઈવે સુધીના રોડ માટે રૂ. ૭૦ લાખ, અલીયા ચાવડાથી સ્ટેટ હાઈવે સુધીના રોડ માટે રૂ. ૭૦૦ લાખ અને ધરદીપરા-ખીલોસથી સ્ટેટ હાઈવે સુધીના રોડ માટે રૂ. ૫૫ લાખ તેમજ જોડિયા તાલુકાના ભાદરાથી સ્ટેટ હાઈવે સુધીના રસ્તા માટે રૂ. ૧૭૫ લાખ મંજૂર કરવામાં આવ્યા છે. આમ, કુલ મળી આશરે ૧૯.૬૦ કિ.મી.ના રોડની મરામત માટે કિસાન પથ યોજના હેઠળ કુલ રૂ. ૧૨.૪૫ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કિસાન પથ યોજના અને ખાસ મરામત યોજના અંતર્ગત જામનગર જિલ્લામાં કુલ ૩૪ કિ.મી.ના રોડ-રસ્તાની મરામત કામગીરી માટે રૂ. ૧૯.૨૫ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે.