Gujarat News: કચ્છમાં ઓદ્યોગીક વિકાસ સાથે સમસ્યાઓ પણ વધી છે અને તેમાય ઓદ્યોગીક વાહનોની અવર-જવર સાથે વાહનોથી ધમધમતા માર્ગો પર અવારનવાર ટ્રાફીકજામ સર્જાય છે. ત્યારે કચ્છ સૌરાષ્ટ્રને જાેડતા નેશનલ હાઈવે-૮ પર સુરજબારી બ્રિજ નજીક ફરી એક વખત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ છે.
કલાકો સુધી આ માર્ગ પર નાના મોટા સેંકડો વાહનો ટ્રાફિક જામના કારણે અટવાઈ પડ્યા હતા. માળિયાના હરિપર નજીક રેલવે બ્રિજના સમારકામને લઈ મોરબી તરફનો માર્ગ બંધ કરી દેવાતા આ ટ્રાફિકજામ સર્જાયો હોવાનુ સામે આવ્યુ છે. ટ્રાફીકજામ સર્જાતા એક માર્ગ પર ધીમેધીમે વાહન વ્યવહાર પુર્વવત કરવા પ્રયત્નો શરૂ કરાયો હતો. ટ્રાફિક નિયંત્રણ માટે સુરજબારીથી ટોલની હાઇવે પેટ્રોલિંગ ટીમ અને માળિયા પોલીસ સતત પ્રયત્નો કર્યા હતા. પરંતુ વાહનોની સંખ્યાને કારણે અને કચ્છમા પ્રવાસીઓના ધસારાને કારણે ટ્રાફીકજામની સમસ્યા વિકરાળ બની હતી.
અમદાવાદ જવા રાધનપુર હાઇવેનો ઉપયોગ કરવા અપીલ
સામખીયારીથી માળીયા આવવા જવા માટેના રસ્તામાં હાઇવે રોડ પર આવેલ હરીપર પુલનુ બાંધકામ ચાલુ હોઇ રોડ ઉપર ટ્રાફિક જામની પરીસ્થીતી નિર્માણ થઈ રહી છે. જેથી જાહેર જનતા ને રાધનપુર થઈ અમદાવાદ જવા માટે રસ્તો હાલ સારો વિકલ્પ રહેશે, આ અંગે રાધનપુર હાઇવે વાળા રસ્તેથી આવવા-જવા માટે રસ્તાનો ઉપયોગ કરવા સામખીયારી પોલીસ દ્વારા જાહેર અપીલ કરાઈ છે. જેથી લોકો ને ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે.
છેલ્લા 24 કલાકથી આવી જ હાલત છે છતાં હજુ ટ્રાફિક ઓછો થવાનું નામ નથી લેતો. વાત એ હદ સુધી પહોંચી છે કે માત્ર 5 કિલોમીટરનું અંતર કાપવા માટે લોકોને 10-10 કલાકનો સમય લાગે છે. આ વાત પરથી જ તમે અંદાજો લગાવી શકો કે વાહનનો ટ્રાફિક કેટલો ભારે માત્રામાં હશે. હાલમાં તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે ટ્રાફિક ઓછો થાય અને લોકો પણ જલ્દીથી પોતાના સ્થાને પહોંચે. કારણ કે અત્યારે ઓછામાં ઓછા 15000 વાહનોનો ખડકલો થતો જોવા મળી રહ્યો છે.