લોક પત્રિકા સ્પેશિયલ સ્ટોરી
સંઘર્ષમાંથી ઉગરેલા સેલેબ્રિટી
Lok Patrika Special: સામાન્ય રીતે માણસો જીવનમાં એક બે ઠોકર ખાધા પછી ફરી ઉભા નથી થતા અને નસીબ સમજીને હાર માની લેતા હોય છે. પરંતુ બીજી તરફ એવા પણ લોકો આ દુનિયામાં રહે છે કે જે મરતા સુધી હિંમત્ત નથી હારતા અને આવી પડેલી વિપદામાંથી બહાર નીકળીને સફળતાના શિખરે પહોંચતા હોય છે. નવા નવા રસ્તા અપનાવી કોઈને કોઈ રીતે જીવનને માણતા હોય છે. આજે આવા જ એક મહિલા વિશે વાત કરવી છે કે જેણે કોઈને ન વિચાર્યું હોય એવો રસ્તો અપનાવી સમગ્ર પરિવારને આર્થિક મુસીબતમાંથી બહાર કાઢ્યા અને એમના પતિએ પણ ખભાથી ખભો મિલાવી મદદ કરી. આ કપલનું નામ એટલે કે વડોદરાના નિશા ચૌહાણ અને સંજય ચૌહાણ.
નિશા અને સંજય બન્ને વડોદરામાં જ રહે છે. ૨૦૧૩માં બન્ને લગ્ન થયા અને હાલમાં સંતાનના બે દીકરીઓ પણ છે. નિશાબેનને તમે જોશો તો એક વસ્તુ સીધી જ જોવા મળશે કે એમના વાળ ખુબ લાંબા છે. વાળ લાંબા ધરાવતી મહિલાઓ તો તમે અનેક જોઈ હશે, એ કંઈ નવી વાત નથી. પરંતુ આ વાળનો ઉપયોગ કરીને એમાંથી આર્થિક રીતે પરિવારને ટેકો કરવો એ બધા નથી કરી શકતા. આ ગુજરાતી મહિલાએ એ કરી બતાવ્યું અને આજે ખુબ સરસ સ્વમાનભેર જિંદગી પણ વિતાવતી રહ્યાં છે.
નિશાબેન હાલમાં એક પરફ્યુમ કંપનીમાં નોકરી કરે છે. દરરોજ 8 કલાકનું કામ કરવાનું, ઘરે 2 દીકરીઓને સાચવવાની જવાબદારી, દીકરીઓને તૈયાર કરવી, એમનું ધ્યાન રાખવું, એમનો ઉછેર કરવો.. જેવી અનેક જવાબદારી. છતા રોજના 30 મિનીટ નિશા વાળ માટે સમય કાઢી લે છે.
પોતાના વાળનું ખૂબ ધ્યાન રાખી એમને સમય આપી એમાંથી તેઓ પૈસા કમાઈ રહ્યાં છે. હવે તમે વિચારશો કે વાળામાંથી વળી કઈ રીતે પૈસા કમાવા? તો નિશાબેન લોંગ હેરના વીડિયો બનાવી અલગ અલગ પ્લેટફોર્મ પર અપલોડ કરે છે. આ સાથે જ તેઓ આ વીડિયો વેચવાનું પણ કામ કરીને પૈસા રળી લે છે. આ વીડિયોમાં વાળ સાથે અલગ અલગ કરામત કરીને મનોરંજન પુરુ પાડવાનું કામ કરી રહ્યાં છે. નિશા અને સંજય બન્ને આ વીડિયોમાં એક્ટિંગ કરીને ખૂબ નામ કમાયું છે.
પોતાના વાળની લંબાઈ વિશે પણ નિશા જણાવે છે કે લગ્ન પછી મારા વાળની લંબાઈ ઘણી વધી ગઈ. પહેલા હું ઇન્સ્ટામાં પોસ્ટ જોતી અને લોંગ હેરમાં શું શું થઈ શકે એના વિશે વિચારતી. પછી એક ગુજરતી મળ્યાં અને મને આઈડિયા આપ્યો કે આ રીતે વીડિયો બનાવી શકાય અને એમાંથી પૈસા પણ કમાઈ શકાય છે. પછી 1 વર્ષ પહેલા જ ઈન્સ્ટા અને યુ-ટ્યુબ બન્નેમાં એકાઉન્ટ બનાવ્યું. માત્ર 1 વર્ષમાં કરોડ લોકો સુઘી પહોંચી ગયા અને હજુ પણ લોકોનો સારો રિસપોન્સ મળી રહ્યો છે.
નિશા કહે છે કે પહેલા અમે શોર્ટ વીડિયો બનાવતા અને પછી લોંગ વીડિયો બનાવ્યા. લોકોનો રિસપોન્સ મળતો ગયો અને અમને પણ પ્રોત્સાહન મળ્યું. વાળ માટે હું ઘરે જાતે તેલ બનાવું એના વિડિયો પણ બનાવું અને એમાંથી પણ આર્થિક ટેકો થઈ રહ્યો છે. નિશાબેનના પતિ પણ જોબ કરે છે અને આ કામમાં એમને પુરેપુરો ટેકો કરે છે. દરરોજ એ જ વિચારે છે કે આ બિઝનેસને હવે આગળ કઈ રીતે લઈ જવો. સંજયભાઈ કહે છે કે અમે ઘણા પ્લાન બનાવ્યા છે અને ભવિષ્યમાં જો બધું ધાર્યા પ્રમાણે થશે તો નિશાને નોકરી છોડાવી પોતાનો પુરો સમય આ જ કામમાં વાપરી કામને એક લેવલ સુધી લઈ જવું છે.
લોંગ હેર અને હેર રોમાન્સ વિશેના વીડિયો વિશે આ કપલ વાત કરી રહ્યું છે કે 15 મિનિટથી લઈને 1 કલાક સુધીના વિડિયો બનાવીએ છીએ. આ વીડિયો યુ-ટ્યુબ પર પણ અપલોડ કરીએ છીએ. આ સિવાય અમુક વીડિયો પ્રાઈવેટ હોય છે અને એ જોવા માટેના ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. જો કોઈ હેર લવરને આ વીડિયો જોવાનો હોય તો અમને કોલ કરે અને અમે વીડિયો સેન્ડ કરીએ છીએ.
આ સાથે જ અમુક હેર લવર વાળ સાથે અલગ અલગ કરામત કરવાનું કહે છે તો એ લોકો અમને વોટ્સઅપ પર વીડિયો કોલ કરે અને એના પણ ચાર્જ નક્કી કરવામાં આવે છે. એ સિવાય અમુક પ્રોડક્ટની જાહેરાત પણ મળી રહી છે કે જેમાંથી પણ પૈસા મળે છે. વિડિયોનું બધુ જ કામ અમે જાતે કરીએ છીએ. વીડિયો ઉતારવાનું, એડિટીંગ કરવાનું, ટોપિક સિલેક્શન કરવાનું…. આ બધું જ કામ જાતે કરીએ છીએ. હાલમાં નોકરી અને ઘર બન્ને સાથે સંભાળતા સંભાળતા 15 દિવસે એક વીડિયો બનાવી લઈએ છીએ.
વડોદરાનું આ અનોખું કપલ પોતાની પરિસ્થિતિ વિશે વાત કરે છે કે કોરોના સમયે અમને ખુબ જ તકલીફ પડી હતી. અમારું ઘર આર્થિક રીતે પુરી રીતે ભાંગી પડ્યું હતું. ઘરમાં બધાના કામ બંધ અને પૈસાની આવક ઝીરો થઈ હતી. કંઈ ખબર નહોતી પડતી કે જિંદગીમાં આગળ શું થશે, પરંતુ એ સમયે જ નિશાના વાળમાંથી પૈસા કમાવાનો આઈડિયા આવ્યો અને અમારું આખું ઘર નિશાના વાળ પર જ નભતું હતું એમ કહીએ તો ખોટું નથી. અમારા માટે આ વાળ એ વાળ નથી પણ ભગવાન સમાન જ છે.